- 11 આરોપીને જીવનનાં છેલ્લા શ્વાસ સુધી કેદ
- 13 વર્ષ, 6 મહિના અને 23 દિવસે ગુજરાતના દુશ્મનોને સજા
દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનને રૂ.1 લાખનું વળતર
સાબરમતી જેલમાં આરોપીની વિડીયો-કોન્ફરન્સથી સુનાવણી, સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીને પોલીસ હજુ શોધી રહી છે
માત્ર 70 મિનિટમાં 20થી વધુ બોમ્બ બ્લાસ્ટથી 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને ઞઅઙઅ (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી.
- Advertisement -
હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. 26 જુલાઈ 2008નાં દિવસે અમદાવાદમાં માત્ર 70 મિનિટમાં જ એક પછી એક કુલ 20થી વધુ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં અને 56 નિર્દોષોનાં મોત નીપજ્યાં હતાં. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. આરોપીઓના વકીલ ખાલિદ શેખે જણાવ્યું હતું કે કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનો અભ્યાસ કરીને જો અમારા અસીલ અમને કહેશે તો હાઈકોર્ટમાં અપીલ કરીશું. અમને એવી આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીઓના બીજા વકીલ એમ. એમ. શેખે જણાવ્યું હતું કે આ કેસમાં લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી છે. અમે તમામ પ્રયત્નો કર્યા હતા. હવે ચુકાદાનો અભ્યાસ કરીને આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું.
આ છે 49 આતંકી ચહેરા, જેણે 56 લોકોના જીવ લીધા

સિમી જ ઇન્ડિયન મુજાહિદ્દીન હોવાનું સ્પષ્ટ
સિમી જ ઇન્ડિયન મુજાહિદ્દીન છે એવું કેસની તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે. સિમી પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ઇન્ડિયન મુજાહિદ્દીનથી નવું નામ ધારણ કર્યું હતું.
- Advertisement -
સાબરમતી જેલમાં આરોપીની વિડીયો-કોન્ફરન્સથી સુનાવણી
અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. કુલ દોષિતોમાંથી 32 હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ તેમના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનું પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે દોષિતોને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.
હજુ પણ 8 આરોપીને પોલીસ શોધી રહી છે
26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે, જ્યારે આ કેસમાં 8 આરોપી એવા છે, જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્હીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમાં છે.
13 વર્ષ લાંબી કાર્યવાહી
દોષમુક્ત ઠરેલા 28 પૈકીના 22 આરોપી વિરુદ્ધ અન્ય રાજ્યોમાં કેસ ચાલતા હોવાથી તેઓ જેલની બહાર નીકળી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. 13 વર્ષની લાંબી કાનૂની કાર્યવાહી પૂરી થતાં મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો.


