લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરબી તાલુકા પોલીસને અંધારામાં રાખીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું !
મુખ્ય સૂત્રધાર ફરાર, 11 પરપ્રાંતીય શખ્સોને ઝડપી લેવાયા: રૂ. 15.65 લાખોનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારમાં ડુપ્લીકેટ દારૂની રેલમછેલ થાય તે પહેલાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરબી તાલુકા પોલીસને અંધારામાં રાખીને રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે જેમાં 15.65 લાખના દારૂના જથ્થા સાથે 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જો કે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર હાથ લાગ્યો ન હતો.
- Advertisement -
મોરબી એલસીબી ટીમે ગઈકાલે બાતમીને આધારે રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પાડેલા દરોડોમાં સિરસા હરિયાણાના વતની સુરેશકુમાર આત્મારામ ડુકીયા દ્વારા જીઆઈડીસીમાં બંધ ગોડાઉન ભાડે રાખીને અહીં નકલી શરાબ બનાવવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ કાચની બોટલમાં તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બનાવ સ્થળેથી વિવિધ બ્રાન્ડની નકલી દારૂ ભરેલી કુલ 2832 બોટલ (કિં. રૂ. 10,62,000) તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી 2500 લીટર (કિં. રૂ. 1,25,000), જુદી જુદી કાચની બોટલ, ખાલી ઢાંકણા, પેકીંગ મશીન, સ્ટીકર, કેમિકલ પાવડર તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 15,65,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડુપ્લીકેટ દારૂ બનાવવાના આ કૌભાંડનો પર્દાફાશ કરી એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધાર સુરેશકુમ આત્મારામ ડુકીયા રહે. સીરસા (હરીયાણા) હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી અન્ય આરોપી બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી, રવિ જયરામ કોમીલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ, સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ નામના પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.