ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદથી થયેલ માઠી અસરો,ખેડૂતોના પાકને નુકસાની, ઘરવખરીના સામાન, નુકસાનીનાં સર્વેની કામગીરી સહિતની બાબતોની રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ઉપરાંત ઘેડ પંથકમાં બંધ રસ્તાને વહેલાસર પૂર્વવત કરવા માટે સૂચના આપી હતી.
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લામાં થયેલા વરસાદ અને બાદમાં લેવાયેલા પગલાં- સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિત જિલ્લાની અને બહારથી મંગાવાયેલી ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.અને મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં પણ ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વધારે વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતી પાકો ઉપરાંત નદી કાંઠા વિસ્તારના ખેતરો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ અસરો થઈ છે.
- Advertisement -
તે અંગે કરાયેલ સર્વે તેમજ રજૂઆતો અંગે રાજ્ય સરકાર હકારાત્મક વિચારણા હાથ ધરશે.જુનાગઢ જિલ્લામાં પડેલ વરસાદ અને ત્યારબાદ ખાસ કરીને ઘેડ વિસ્તારમાં બંધ રસ્તાઓ શરૂ કરવા અને રેસ્ક્યુ કામગીરી સહિતની માહિતી પણ મંત્રીશ્રીને આપવામાં આવી હતી.