રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે, મંત્રીએ પૂજય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને ઝીલી લીધો છે. સ્વચ્છતા, ખાદી,ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છાંજલિ સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યો છે.
- Advertisement -
મંત્રીએ ઉમેર્યું હતું કે, પૂજય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુઃખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત જોડાયેલી છે તે કસ્તુરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીએ ખાતરી આપી હતી.
- Advertisement -
આ પ્રસંગે કસ્તુરબાધામ ખાતે મંત્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ કસ્તુરબા નિવાસની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા કનુભાઈ નારણદાસ ગાંધી તથા તેમના પત્ની આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્વચ્છાંજલિ સમારોહ ખાતે સરપંચ દર્શનાબેન પીઠવા, તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટ, પૂર્વ સરપંચ નિતીનભાઈ રૈયાણી, ટ્રસ્ટીઓ મુકેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ ચાવડા, ચેતનભાઈ રામાણી, સામાજિક આગેવાન મૂળજીભાઈ ખૂંટ તથા અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.