અભણ ડોગોન આદિવાસીઓનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન અચંબિત કરી દે તેવું…
જગદીશ આચાર્ય
શું પરગ્રહવાસીઓ કે દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા? આવતા રહે છે? એ પ્રશ્ર્ન સદીઓથી માનવજાતને મૂંઝવતો રહે છે. આપણા શાસ્ત્રો તો કહે જ છે કે દેવી-દેવતાઓ, અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વ, નારદ મુનિ વગેરે સ્વર્ગલોકમાંથી વારેવારે પૃથ્વી ઉપર આંટાફેરા કરી જતા હતા.
- Advertisement -
પણ આજે આપણે વાત કરવી છે પશ્ર્ચિમ આફ્રિકાના માલીના જંગલોમાં રહેતા ડોગોન નામના આદિવાસી કબીલાની. આ અદિવાસીઓનો દાવો છે કે સદીઓ પહેલાં તેમના દેવતા પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ દેવતાઓએ તેમના પૂર્વજોને આકાશનું જ્ઞાન આપ્યું હતું. આપણે માણસો જ્યારે એવું માનતા હતા કે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ત્યારે પણ આ આદિવાસીઓને એ ખબર હતી કે સૂર્ય પૃથ્વીની નહીં પણ પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે.ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો અને શનિના વલયો અંગે પણ આ આદિવાસીઓને જાણકારી હતી. તારાઓને ગ્રહો હોય અને ગ્રહોને ઉપગ્રહો હોય એ પણ ડોગોન વર્ષોથી જાણતા હતા.
1931માં ડો.માર્કેલ ગ્રેયુલ નામના એનથ્રોપોલોજીસ્ટે આ આદિવાસીઓને શોધી કાઢ્યા. ખગોળવિજ્ઞાનના તેમના જ્ઞાનથી ડો.માર્કેલ ચકિત થઈ ગયા. ડોગોન લોકો પાસે આપણા સૂર્ય કુટુંબ ઉપરાંત પૃથ્વીથી 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલા સાયરસ તારાં અંગે પણ જાણકારી હતી.
ડોગોનના સત્સંગથી ચકરાવે ચડેલા ડો.માર્કલે 1940માં ડો.ગેરમાઇન ડિટેરિયન નામની મહિલા એનથ્રોપોલોજીસ્ટ સાથે ડોગોન વસાહતમાં ધામા નાખ્યા.આદિવાસીઓએ એમને એવી માહિતી આપી કે સાયરસ તારાને ‘પો ટોલો’ નામનો એક સાથી તારો પણ છે. પો નો અર્થ તારો અને ટોલો એટલે નાનામાં નાનું બીજ.આધુનિક ખગોળશાસ્ત્ર એ તારાને સાયરસ ’બી’ નામે ઓળખે છે.આદિવસીઓ કહેતા કે પો ટોલો આકાશનો નાનામાં નાનો તારો છે. એ નાનો છે પણ નાગના બચ્ચા જેવો છે. નાનો હોવા છતાં એ અન્ય તારાઓ કરતાં અનેકગણું વજન ધરાવે છે. એ તારો પોતાની ધરી ઉપર દર 50 વર્ષે સાયરસ ’એ’ તારાનું પરિભ્રમણ પૂરું કરે છે.
- Advertisement -
ડોગોન તો એ પણ જાણતા હતા કે સાયરસ સ્ટાર સિસ્ટમમાં ‘એમ્મે યા’ નામનો એક ત્રીજો તારો પણ છે અને એ તારાને એક ઉપગ્રહ પણ છે. અભણ આદિવાસીઓને આ સ્ટાર સિસ્ટમની ખબર કેવી રીતે પડી તેવા ડો.માર્કેલના પ્રશ્નનો અદિવાસીઓએ જે જવાબ આપ્યો તેનાથી ભારે રોમાંચક રહસ્ય ખડું થવાનું હતું. ડોગોન ધર્મગુરુઓએ જણાવ્યું કે સદીઓ પહેલા એ ઉપગ્રહમાંથી ત્રણ પગ (વહીલ?) વાળા વીમાનમાં નોમોઝ નામના દેવતાઓ પૃથ્વી પર આવ્યા હતા.વિમાનના આગમન સમયે વીજળીના ચમકારા સાથે મેઘગર્જના જેવા ભયંકર અવાજ થયા હતા.વિમાન ઉતર્યું ત્યારે તેમાંથી નીકળેલા ચાર પગ વડે જમીનમાં ખાડો ખોદીને એમાં તરી શકે એટલું પાણી વિમાનમાંથી જ ઠાલવવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આકાશમાં બીજો એક મોટો ચમકતો તારો(બીજું વિમાન?) દેખાયો હતો અને જેવા દેવતાઓ બહાર આવ્યા એ સાથે જ એ તારો અદ્રશ્ય થઈ ગયો હતો.દેવતાઓના શરીરનો ઉપરનો ભાગ માણસનો અને નીચેનો ભાગ માછલીનો હતો.એ જળ અને જમીન બંન્ને પર રહી શકતા હતા પણ જળમાં રહેવું એમને વધારે ગમતું હતું.આ દેવતાઓએ ડોગોનના પૂર્વજોને સાઇરસની માહિતી આપી હતી.અને એ પૂર્વજો ઉતરોતર પોતાના અનુગામીઓને એ માહિતી આપતા રહ્યા હતા.
ડોગોનની સાઇરસ અંગેની માહિતીથી દુનિયા અચંબિત થઈ ગઈ.કારણકે તેમાંની મોટાભાગની વાતો સાચી હતી.
હવે આપણે સાઇરસ અંગેની આધુનિક જાણકારી પર નજર ફેરવીએ.રાત્રે આકાશમાં જે સહુથી વધારે ચમકે છે એ તારો એટલે સાઇરસ તારો. પૃથ્વીથી એ 8.6 પ્રકાશવર્ષ દૂર છે.આપણા સૂર્ય કરતાં 2.2 ગણો મોટો છે.બમણું ઘનત્વ ધરાવે છે અને વીસ ગણો વધુ પ્રકાશમાન છે.કેન્સ મેજર નામે ઓળખાતા અને શ્વાનનો આકાર સર્જતા નક્ષત્રના મોઢામાં તેનું સ્થાન હોવાને કારણે એને ’ડોગ સ્ટાર’ તરીકે ઓળખવમાં આવે છે.
1862માં એલવિન ક્લાર્ક નામના ખગોળશાસ્ત્રીએ સાઇરસના સાથી તારાને શોધી કાઢ્યો હતો અને તેને સાઇરસ’બી’ નામ અપાયું હતું.આ સાઇરસ ’બી’ એટલે ડોગોનનો ’પો ટોલો’ તારો.
નરી આંખે ન દેખાતા આ તારાના પ્રકાશ કિરણોને 1920માં માઉન્ટ વિલ્સન પર ગોઠવવામાં આવેલા રાક્ષસી બાયનોક્યુલરમાં પ્રથમ વખત પકડી શકાયા હતા.ત્યારબાદ 1970માં યુ.એસ.નેવલ ઓબ્ઝર્વેટ્રીના ડો.ઇરવિંગ લેન્ડબ્લોડે તેની પ્રથમ તસવીર પાડી હતી.
એટલે કે 1862માં જે સાઇરસ તારાનું અસ્તિત્વ સાબિત થયું અને 1920માં જેના વિશે વિસ્તૃત માહિતી મળી તેના અંગે ડોગોન આદિવસીઓ સદીઓથી જાણતા હતા.
ડોગોન પાસેથી આ બધી માહિતી મેળવ્યા બાદ તજજ્ઞોએ “એ સુદાનીઝ સાઇરસ મિસ્ટ્રી” નામનું પુસ્તક બહાર પાડ્યું. તેને કારણે સનસનાટી મચી ગઇ.તે બુક વાંચીને અમેરિકાના પ્રખ્યાત ઇતિહાસકાર અને પુરાતત્વવીદ પ્રો.રોબર્ટ કે.જી.ટેમ્પલે ડોગોન વસાહતમાં થાણું જમાવ્યું.1977માં તેમણે “ધી સાઇરસ મિસ્ટ્રી” નામની બુક લખી. તે ખૂબ પ્રચલિત થઈ.દુનિયા આખીને ડોગોનમાં રસ પડ્યો.
જો કે આધુનીક ખગોળવિજ્ઞાનીઓ ડોગોનની વાત માનવા તૈયાર નહોતા.પ્રો.ટેમ્પલની ખૂબ ટીકા થઈ.પણ પ્રો.ટેમ્પલે જવાબ આપતાં જણાવ્યું કે સાઇરસ “બી” અસામાન્ય ઘનતા ધરાવે છે અને 49.9 વર્ષે સાઇરસ “એ” તારાની પ્રદક્ષિણા પુરી કરે છે એ સહિતની માહિતી ડોગોન આદિવાસીઓને આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ પહેલાં કઇ રીતે ખબર પડી?
વિવાદ વધ્યો ત્યારે ડોગોન વચ્ચે વર્ષો વિતાવનાર મહિલા એનથ્રોપોલોજીસ્ટ ગ્રેમાઇન ડિટેનર્સ મેદાને પડ્યા.
બી.બી.સી.ટી.વી.ના હોરીઝોન પ્રોગ્રામમાં તેમણે સાઇરસ સ્ટાર સિસ્ટમનું સ્પષ્ટ નિર્દશન કરતું ડોગોન કબીલાનું 400 વર્ષ જૂનું ચિત્ર રજૂ કર્યું.બે ફ્રેંચ સંશોધકોએ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં “ઈઝ સાઇરસ એ ટ્રીપલ સ્ટાર” નામનો લેખ લખીને સાઇરસ ’સી’ નામનો તારો હોવાની વાતને પુષ્ટિ આપ્યા બાદ ડોગોન અને તેમના દેવતા આજે પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે.
ડોગોનનું નવું વર્ષ પણ સાઇરસ આધારિત હતું.ડોગોનના દેવતા જેવું વર્ણન અનેક ધર્મોમાં છે.બેબીલયનોના એનેડોટ્સ,ફિલિસ્તીનોના ઓએનિસ,ઇજીપશ્યનોની દેવી આઇસીસ અને એશિયા માઇનોર નિવાસીઓની દેવી કાઇબેલ પણ ડોગોનના દેવ જેવું જ સ્વરૂપ ધરાવે છે.ઝૂલેલાલ ભગવાનને પણ એ જ સ્વરૂપે કલ્પવામાં આવ્યા છે.ચીનાઓના દેવતા ફુક્સીને પણ માણસનું માથું અને માછલીની પૂંછડી હતી.અને આપણે હિંદુઓ પાસે તો ભગવાન વિષ્ણુનો એક અર્ધમત્સ્ય અવતાર જ છે.