ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 48 કલાકમાં, સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનેગારોનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ’ઓપરેશન લંગડા’ અને ’ઓપરેશન ખલ્લાસ’ હેઠળ કરવામાં આવી હતી. ગુના ઘટાડવા અને ગુનેગારો પર ગાળિયો કસવા માટે કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. મેરઠથી મુઝફ્ફરનગર સુધી પોલીસે ગુનેગારોનું એનકાઉન્ટર કરી તેમને પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં, યુપી પોલીસે એક પછી એક લગભગ 20 એન્કાઉન્ટર કર્યા છે. તેમણે દરેક શહેરમાં ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું છે. મેરઠથી મુઝફ્ફરનગર, ફર્રુખાબાદથી ફિરોઝાબાદ, મુરાદાબાદથી મથુરા, હરદોઈથી ઉન્નાવ, ઝાંસીથી બુલંદશહેર, બાગપતથી બલિયા, લખનૌથી ગાઝિયાબાદ અને શામલીથી ઝાંસી સુધી પોલીસે આ કાર્યવાહી કરી છે.
- Advertisement -
યુપીના ફિરોઝાબાદમાં થયેલા એન્કાઉન્ટરનું સત્ય સૌથી પહેલાં સામે આવ્યું છે. યુપી પોલીસ 2 કરોડની લૂંટ કરનાર કુખ્યાત આરોપી નરેશને લૂંટનો સામાન મેળવવા માટે લઈ જઈ રહી હતી. જોકે, આ દરમિયાન તે યુપી પોલીસની પકડમાંથી ભાગી જાય છે. પોલીસે આરોપીને પકડવા માટે 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આ ફરાર આરોપી નરેશને પકડવા માટે એએસપી અનુજ ચૌધરીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. મક્ખનપુર વિસ્તારમાં નરેશ અને પોલીસ આમને-સામને થાય છે અને ત્યાર બાદ ઓપરેશન ખલ્લાસ શરૂ થાય છે. બંને બાજુથી ગોળીઓ ચાલે છે. આ અથડામણમાં એસઓ રામગઢ સંજીવ દૂબે અને એએસપી દેહાત અનુજ ચૌધરીને ગોળી વાગે છે. આ સમાચાર ચારેય બાજુ ફેલાય જાય છે. જોકે, સારી વાત એ હતી કે, અનુજ ચૌધરીને વાગેલી ગોળી તેમના બુલેટપ્રૂફ જેકેટમાં જ ફસાઇ જાય છે. અથડામણમાં આરોપી નરેશને પણ ગોળી વાગે છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જોકે, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે.
5 ઓક્ટોબરની રાત્રે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે ઈમરાન નામના એક આરોપીને એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. ઈમરાન પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. તે લૂંટના 13 જેટલા કેસમાં ફરાર હતો. પોલીસને સૂચના મળી હતી કે, અમુક ગુનેગારો મોટરસાઇકલ છીનવીને ભાગી રહ્યા છે. પોલીસે તુરંત તેમનો પીછો કર્યો અને બંને બાજુથી તાબડતોડ ફાયરિંગ શરૂ થાય છે. આ અથડામણમાં પોલીસ પ્રભારીને ગોળી વાગે છે. ઈમરાન આ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, બાદમાં તેને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવે છે.
મુઝ્ઝફરનગરમાં પણ પોલીસે એકબાદ એક 2 એન્કાઉન્ટર કર્યા છે. પહેલાં પોલીસે એક લાખ રૂપિયાના ઈનામી ગુનેગાર મેહતાબનું એન્કાઉન્ટર કર્યું, જે 18થી વધુ લૂંટ અને ચોરીના મામલે વોન્ટેડ હતો. પોલીસે તેની પાસેથી બાઇક, રિવોલ્વર, પિસ્ટોલ અને લૂંટેલી જ્વેલરી મેળવી છે. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
મુઝ્ઝફરનગરમાં જ પોલીસે એક અન્ય એક લાખના ઈનામી ગુનેગાર નઈમ કુરૈશીને પણ ઠાર કર્યો છે. નઈમ કુરૈશી 6 હત્યા અને 20 લૂંટના કેસમાં ફરાર હતો. પોલીસ અને નઈમ કુરૈશી વચ્ચે લગભગ 30 મિનિટ અથડામણ ચાલી હતી. આ દરમિયાન એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો.
શું છે ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’?
મુખ્યમંત્રી યોગીએ આખા ઉત્તર પ્રદેશમાં ’ઓપરેશન લંગડા’ અને ’ઓપરેશન ખલ્લાસ’નો ઓર્ડર આપ્યો છે. ઓપરેશન લંગડાનો અર્થ છે, ગુનેગારોના પગમાં ગોળી મારીને તેમને લંગડા કરવા અને બાદમાં તેમની ધરપકડ કરવી. વળી ’ઓપરેશન ખલ્લાસ’નો અર્થ છે, મોટા ગુનેગારોને ઠાર કરી દેવા. મુખ્યમંત્રી યોગીનો સ્પષ્ટ સંદેશ છે કે, ગુનાની સજા ફક્તને ફક્ત એનકાઉન્ટર છે.
- Advertisement -
8 વર્ષમાં 14,000થી વધુ એન્કાઉન્ટર
યુપીમાં પોલીસ દરરોજ સરેરાશ 5થી વધુ એન્કાઉન્ટર કરી રહી છે અને છેલ્લા આઠ વર્ષથી ઉત્તર પ્રદેશમાં આ વલણ ચાલુ છે. આંકડા મુજબ, 2017થી ઉત્તર પ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં 239 ગુનેગારો ઠાર મરાયા છે. આ સમયગાળા દરમિયાન, 9467 ગુનેગારો ઈજાગ્રસ્ત થયા હતા અને એન્કાઉન્ટર પછી 30694 ગુનેગારોની ધરપકડ કરાઈ હતી. છેલ્લા આઠ વર્ષમાં, પોલીસ અને ગુનેગારો વચ્ચે 14,973 અથડામણ થઈ છે, જેમાં સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે.



