K વિઝા, જેને નિરીક્ષકો યુએસ H-1B નું ચીનનું સંસ્કરણ કહે છે, તે અત્યંત કુશળ પ્રતિભાઓને દોરવા માટે રચાયેલ છે.
અમેરિકાએ H-1B વિઝા માટે $100,000 (લગભગ ₹83 લાખ)ની મોટી વાર્ષિક ફી લાદતા વિશ્વભરમાં, ખાસ કરીને ભારતમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે, ચીને એક નવો દાવ ખેલ્યો છે. ચીને વૈશ્વિક પ્રતિભાઓને પોતાના દેશમાં આકર્ષવા માટે 1 ઓક્ટોબરથી નવો ‘K વિઝા’ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદન મુજબ, આ નવી ‘K વિઝા’ કેટેગરી ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા ક્ષેત્રોના યુવા અને પ્રતિભાશાળી વ્યાવસાયિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
- Advertisement -
શું છે K વિઝા?
ચીને વિદેશીઓના પ્રવેશ અને બહાર નીકળવાના નિયમોમાં સુધારો કરતા એક નિર્ણયને ગયા મહિને, એટલે કે ઓગસ્ટમાં મંજૂરી આપી હતી. આ નવો નિયમ 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોના મતે, ચીનની આ નવી K વિઝા સિસ્ટમ અમેરિકાના H-1B વિઝા જેવી જ છે. જ્યારે દુનિયાના મોટાભાગના દેશો વર્ક વિઝાના નિયમો કડક કરી રહ્યા છે, ત્યારે ચીને આ નીતિ રજૂ કરી છે. આમ, ચીનનું આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશ વચ્ચે ‘આપદામાં અવસર શોધવા’ જેવું સાબિત થઈ શકે છે.
કોણ અરજી કરી શકે છે?
- Advertisement -
ચીનના ન્યાય મંત્રાલય અનુસાર, K વિઝા એવા વિદેશી યુવા વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતો માટે છે, જેમણે ચીન કે વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાંથી STEM ક્ષેત્રમાં સ્નાતક કે તેથી ઉપરની ડિગ્રી મેળવી છે. ગયા અઠવાડિયે અમેરિકાએ H-1B અરજીઓ પર $100,000નો મોટો વાર્ષિક શુલ્ક લાદતા ભારતીય ટેકનિકલ કર્મચારીઓ અને IT કંપનીઓમાં ચિંતા વધી છે, ત્યારે ચીનની આ નવી વિઝા સિસ્ટમ અમેરિકાના આંચકાથી નિરાશ થયેલા ભારતીયો માટે એક નવો વિકલ્પ બની શકે છે.
આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, ચીને એક સુવ્યવસ્થિત વિઝા નીતિની જાહેરાત કરી છે, જેનો હેતુ દક્ષિણ એશિયા સહિતના વિદેશી વ્યાવસાયિકોને પોતાના દેશમાં આકર્ષવાનો છે, જેથી તેઓ અમેરિકાને બદલે ચીનને પોતાનું આગામી ગંતવ્ય બનાવે. આ નવી વિઝા સિસ્ટમનો ફાયદો એવા યુવા વ્યાવસાયિકો પણ લઈ શકશે, જેઓ શિક્ષણ અથવા સંશોધનના ક્ષેત્રમાં ચીની સંસ્થાઓ સાથે જોડાવા ઇચ્છુક હોય.
ચીની K વિઝાની ખાસિયત શું છે?
ચીનની હાલની 12 સામાન્ય વિઝા શ્રેણીઓની સરખામણીમાં, નવી K વિઝા સિસ્ટમ વધુ આકર્ષક છે. આ વિઝા મલ્ટીપલ એન્ટ્રી, લાંબી માન્યતા અને લાંબા સમય સુધી રોકાવાની સુવિધા આપે છે. અન્ય મોટાભાગના વર્ક વિઝાથી વિપરીત, આ K વિઝા માટે ચીનના કોઈ નોકરીદાતા કે સંસ્થાના આમંત્રણ અથવા નિમણૂક પત્રની જરૂર નથી. નવા નિયમો મુજબ, K વિઝા ધારકો ચીનમાં પ્રવેશ્યા બાદ અભ્યાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે અને સાથે જ વેપાર અને ઉદ્યોગસાહસિકતા સંબંધિત કામ પણ કરી શકશે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ચીની K વિઝા અરજદારોએ ચીની અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલી યોગ્યતાઓ અને માપદંડો પૂરા કરવા પડશે અને તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. હાલમાં, માન્ય દસ્તાવેજોની યાદી જાહેર કરવામાં આવી નથી. ચીનના ન્યાય મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં સ્થિત ચીની દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો આ અંગે વિગતવાર માહિતી બહાર પાડશે.