જૂનાગઢના યુવાનના અપહરણ અને હુમલાનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢના યુવાનનું કારમાં અપહરણ કરી જઇ તેના પર ખૂની હુમલા કેસમાં ગઇકાલ મોડી રાત્રે એલસીબીએ ગોંડલના ધાાસભ્યના પુત્રને હસ્તગત કરી જૂનાગઢ એલસીબી કચેરી ખાતે લાવી વધુ પુછપરછ હાથ ધરી હતી. અગાઉ આ મામલે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા પરંતુ ગણેશ જાડેજા ન પકડાય તો તા.6થી આંદોલન કરવાની ચીમકી અપાઇ હતી એવામાં પોલીસે તેને ઝબ્બેકરી લીધો છે. જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ વાહન વ્યવસ્થિત ચલાવવા કહ્યુ હતુ, જેના મનદુ:ખના કારણે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ સંજય ઉર્ફે ચંદુને કારમાં અપહરણ કરી ગોંડલમાં અવાવરૂ સ્થળે લઇ જઇ મારમાર્યો હતો અને હથિયાર બતાવી ધમકી આપી હતી.
આ મામલે ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સામે અપહરણ, હત્યાના પ્રયાસ સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. આ મામલે પોલીસે અગાઉ 3 શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગે એલસીબી પીઆઇ જે.જે.પટેલે જણાવ્યુ હતુ કે, ગણેશ જાડેજાને હસ્તગત કરી જૂનાગઢ લાવી પુછપરછ કરવામાં આવી રહી છે. જયારે આ મામલે ધારાસભ્યના પુત્રની અટકાયત બાદ આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.