જૂનાગઢ જિલ્લામાં 54 બ્રિજોનું નિરીક્ષણ કરાયું
જિલ્લાના અનેક જર્જરિત બ્રિજો બંધ કરી વાહનો ડાયવર્ડ કર્યા
ટેક્નિકલ સર્વેના રિપોર્ટ બાદ જર્જરિત બ્રિજોની મરામત કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
વડોદરા ગંભીરા બ્રિજ તૂટતાં દુર્ઘટના સર્જાય જેમાં 20 વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં જોખમી અને જર્જરિત બ્રિજોનું નિરીક્ષણ કરીને એહવાલ રજુ કરવા આદેશ થતા જૂનાગઢ વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને જૂનાગઢ જિલ્લામાં કુલ 54 બ્રીજોનું સ્થળ નિરીક્ષણ કરીને અનેક જર્જરિત અને જોખમી બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો અમુક એવા બ્રિજ છે જેને દીવાલની અડાસ કરી બંધ કરી દેવામાં આવ્યા છે. તેવા પુલ માટે વાહનો માટે ડાર્યવર્જન કાઢી વૈકલ્પિક વ્યવસ્થા કરી સંતોષ માન્યો હોઈ તેવું જોવા મળી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના 54 બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ 54 જેટલા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કેશોદ સબ ડિવિઝનના 9 પુલ જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, માંગરોળ ગ્રામ્ય વિસ્તાર, મેંદરડા તાલુકાના આઠ પુલ, વંથલીમાં 12, અને વિસાવદરમાં 25 પુલના ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલની છેલ્લી તપાસણીની તારીખ, હાલની સ્થિતિ એ પુલ ફિટ છે કે અનફિટ, સામાન્ય મરામત કે વિશેષ મરામત ની જરૂરિયાત છે એ તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી. આ ટેકનિકલ સર્વે બાદ પુલ જર્જરીત જણાયે મરામત કરાવવામાં આવશે તેમજ ભય જનક પુલ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન રુટ જાહેર કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં બાકી રહેતા પુલ, બ્રિજની તપાસણી પણ હાથ ધરવામાં આવનાર છે.
શાપુર ગામ પાસે આવેલ પુલ જૂનો અને જર્જરિત થઈ ગયેલ હોય સલામતી માટે આ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામા મુજબ શાપુર ક્રોસિંગ રોડ પર નેશનલ હાઇવે થી શાપુર ગામ તરફ જતા શાપુર ગામ પાસે આવેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તા- બ્રિજ બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે વાડલા- ધણફૂલીયા- શાપુર રોડ અને વાડલા – લુવાસર- શાપુર રોડનો ઉપયોગ કરી શકાશે જયારે ભેસાણમાં આવેલ ઉબેણ નદી પર આવેલા પુલના સ્લેબમાં રેઇન ફોર્સમેન્ટ વિઝીબલ હોય તથા ખાણકી પથ્થરના એબ્ઝર્વમેન્ટ તથા પિયરમાં ખવાણ થયેલ છે. તેમજ નવા પુલના બાંધકામ ની કામગીરી હાલ શરૂ છે. જે અન્વયે ભેસાણ ગામમાં આવેલ ઉબેણ નદી ઉપર આવેલ પુલ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે ભેસાણ – પરબ વાવડી – તડકા પીપળીયા- ચણાકા રોડ અને ચણાકા – તડકા પીપળીયા – પરબ વાવડી- ભેસાણ રોડ નો ઉપયોગ કરી શકાશે તેમજ બોડકા ગામથી ભાટિયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ પુલ જર્જરીત અને જૂનો હોય જાહેર સલામતી અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂપે ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી કે.બી .પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મોટા કાજલીયાડા બંધડા બોડકા ભાટિયા રોડ પર બોડકા ગામ થી ભાટીયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ બ્રિજ તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.આ રસ્તો બ્રિજ -બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે મોટા કાજલીયાળા – થાણા પીપળી- ભાટીયા રોડ નો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ 9/9/2025 સુધી અમલમાં રહેશે.