કાશ્મીરના પાંચ દિવસના પ્રવાસમાં મંદિરોને બાદ કરતા, કયું પ્રાકૃતિક સ્થાન મને સૌથી વધુ ગમ્યું આવું કોઈ મને પૂછે, તો હું ક્ષણના પણ વિલંબ વગર જવાબ આપીશ ! “સિંથાન ટોપ”. પહેલગામ થી લગભગ અઢી-ત્રણ કલાકના કાર ડ્રાઈવ અંતર પર આવેલું શ્રીનગરનું આ સૌથી ઊંચું પર્વત શિખર છે. મે મહિનામાં પણ અહીં 30-30 ફૂટ જાડો બરફનો થર જોવા મળે છે. ત્યાં સુધી જવાનો માર્ગ જ એટલો બધો સૌંદર્યથી લદાયેલો છે કે એ જોઈને આપણને સમજાઇ જાય કે કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ શા માટે કહે છે! આ શિખર પર જિંદગીની કદીએ ન ભુલાય એવી મજા માણીને ઢળતી સાંજે અમે પહેલગામ તરફ પાછા ફર્યા. અનંતનાગથી પહેલગામ વચ્ચેના માર્ગ પર મુસ્લિમ ડ્રાઇવરે ગાડી ઉભી રાખી. રોડની સામેની બાજુએ એક સુંદર મંદિર નજરે ચડ્યું. મંદિરનું નામ અંગ્રેજીમાં વાંચીને ઝટકો લાગ્યો: મટન મંદિર. પછી ખબર પડીકે એ માર્તંડ મંદિર માંથી અપભ્રંશ થયેલું નામ હતું. અંદર સીખ ધર્મનું સુંદર ગુરુદ્વારા હતું.
જ્યાં સીખ શબ્દ લાગે એટલે ભક્તિ, સ્વચ્છતા અને શિસ્ત સ્વયંભુ જોવા મળે છે. વિશાળ પરિસરમાં ચાલવાના માર્ગમાં વચ્ચેથી વહેતું ખળખળ પાણીથી ભરેલું ઝરણું અને ગુરુદ્વારા ઉપરાંત રાધાકૃષ્ણનું મંદિર, માર્તંડ મંદિર, રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનું મંદિર અને સૌથી આકર્ષક ભગવાન શિવજી અને મા પાર્વતીનું મંદિર. બધા મંદિરો થોડા- થોડા અંતરે આવેલા છે પણ અહીંની સ્વચ્છતા આપણી ભીતર ઘેરો ભક્તિ ભાવ ઉત્પન્ન કરે છે. મારો પૌત્ર શૌર્ય પરમ શિવ ભક્ત છે. એના દાદા ની જેમ. એણે દાનપેટીમાં મૂકવા માટે એની મમ્મી પાસેથી રૂપિયા માંગ્યા પછી શિવજીને દંડવત પ્રણામ કર્યા અને અમે ધન્યતા અનુભવતા બહાર નીકળ્યા. અમારો ડ્રાઇવર તો એવા ખ્યાલ ઉપર જ મુસ્તાક હતો, કે હિન્દુ દેવી-દેવતાઓ અને ભગવાનો પણ મટન આરોગતા હતા. એટલે મંદિરનું નામ મટન મંદિર રાખવામાં આવ્યું છે. જ્યારે મેં એને સમજાવ્યું કે આ મટન શબ્દ માર્તંડ ઉપરથી આવ્યો છે, ત્યારે તેનો ચહેરો ઝંખવાણો થઈ ગયો.