આખરે 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોની પ્રવેશબંધી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સતત વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને 5 મહિના પહેલા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ખાનગી લક્ઝરી બસોને દિવસે શહેરમાં પ્રવેશબંધી ફરમાવી હતી. જો કે આ મુદ્દે ખાનગી બસ ઓપરેટરો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા 5 મહિના પુરતો આ હુકમને સ્થગિત કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત પૂર્ણ થતાં આજથી રાજકોટ શહેરના ત્રણેય પ્રવેશદ્વારો પર ટ્રાફિક પોલીસ દ્વારા આ જાહેરનામાંનો કડક અમલ શરૂ કરાવવામાં આવ્યો છે. જેના પગલે મુસાફરોને ગામના છેવાડે ઉતરીને ફરજિયાત રિક્ષામાં ઘરે જવાનો વારો આવ્યો છે.
હકીકતમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરમાં ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે 15 જુલાઈના રોજ એક જાહેરનામું બહાર પાડીને સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધી શહેરમાં ખાનગી લક્ઝરી બસ અને ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી. જો કે ખાનગી બસ સંચાલકો દ્વારા વિરોધ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા આ જાહેરનામું સ્થગિત કરી દેવામાં આવ્યું હતુ. 5 મહિના વીતવા છતાં ખાનગી બસ ઓપરેટરો દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી.
આજથી જ રાજકોટના ત્રણેય પ્રવેશદ્વાર ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડી ખાતે પોલીસ કાફલો તૈનાત થઈ ગયો હતો. ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ પર સિટીમાં પ્રવેશ કરતી તમામ લક્ઝરી બસોને અટકાવી દેવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા ઓચિંતા જ પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારી શરૂ કરતાં મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો.