નકલી ઘીનો આજુબાજુના તાલુકા સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ વેપલો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
રાજ્યમાં નકલી પોલીસ, સ્કૂલ, હોસ્પિટલ, અધિકારી, ટોલટેક્ષ બાદ હવે ખાધ પદાર્થની ચીજવસ્તુઓ પણ નકલી વેચાણ થઈ રહી છે. જેમાં હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લા ઈનચાર્જ પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જિલ્લાની સૌથી મોટી ખાધ પદાર્થ વેચાણની માર્કેટ ગણાતી મહેતા માર્કેટમાં તેલના વેપારીને ત્યાં દરોડા કરી કેટલાક શંકાસ્પદ તેલના ડબ્બા જપ્ત કર્યા હતા. જોકે આ અગાઉ ગત વર્ષે પણ આ પ્રકારે વઢવાણ જી.આઇ.ડી.સીમા ચાલતા બોગસ તેલ બનાવવાના કારખાના પર દરોડા કરી નમૂના લેવાયા હતા પરંતુ આ નમૂના લેબમાં ગયા પછી તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી અને જો આવ્યો હોય તો જાહેર કરાયો નથી એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી અને તેલિયા રાજા સાથે કનેક્શન જોડાઈ ગયું હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે.
પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ તેલની સાથે નકલી ઘી પણ વેચાણ થઈ રહ્યું છે. આ નકલી ઘી જિલ્લાના તાલુકા મથકના કારખાનાના નિર્માણ થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. નકલી ઘી નિર્માણ થતા આ કારખાનામાં બહારથી કંઈક જુદી અને અંદરથી કંઈક જુદી પ્રક્રિયા થઈ રહી છે એટલે કે બહાર જે પ્રકારે કારખાનાનું નામ લખવામાં આવ્યું છે તેનાથી વિપરીત અહીં નકલી ઘી બનાવવાનું કામ થઈ રહ્યું છે. આધારભૂત સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર આ નકલી ઘી બનાવતું કારખાનું સરકારી પડતર જમીન પર સેડ નાખીને બનાવી દેવાયું છે. જ્યારે નકલી ઘીની માર્કેટ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં અને રાજ્યના અન્ય જિલ્લા જેમ કે મહેસાણા, વિસનગર, પાટણ, બોટાદ સહિતના વિસ્તારોની જાહેર માર્કેટમાં વેચાણ થાય છે. અહીં નિર્માણ થતા નકલી ઘીના ડબ્બા પણ જે જોઈએ તે કંપનીના સિમ્બોલ સાથે વેપારીના ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે ત્યારે મોટાભાગે ઘીનો ઉપયોગ ધાર્મિક કાર્ય અને તંદુરસ્તી માટે થાય છે પરંતુ હવે આવા લેભાગુ ઈશાનો દ્વારા નકલી ઘી બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ચોખ્ખું ઘીના નામે નકલી ઘી પધરાવી વધુ રૂપિયા કમાવવાની લાલચે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી રહ્યા છે.
વઢવાણ GIDCમાં ડિસ્કો તેલ બનાવવાનું હજું ય ચાલું છે
- Advertisement -
અગાઉ ગત વર્ષે અખબારી અહેવાલો પ્રસિધ્ધ થતા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વઢવાણની જી.આઇ.ડી.સી ખાતે પાંચેક ગોડાઉનમાં દરોડા કરી તેલના નમૂના લેવાયા હતા પરંતુ એક વર્ષ બાદ પણ રિપોર્ટ જાહેર નહીં થતા આ મામલે કુલડીમાં ગોળ ભાંગી બાદમાં ફરીથી નકલી તેલનો કારોબાર શરૂ કરાવી દીધો છે.
નકલી ઘી બનાવતું કારખાનું દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવો ઘાટ
સુરેન્દ્રનગર જિલ્લાના જે તાલુકા મથક ખાતે આ નકલી ઘી નિર્માણ થઈ રહ્યું છે તેમાં કારખાનું નામ કોક જુદુ અને કામ કંઈક જુદી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ કારખાનામાં પાછળના ભાગે સરકારી જમીન પર આખોય સેડ ઉભો કરી તેમાં નકલી ઘી બનવાનું આખુંય ષડયંત્ર પર પાડવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થતું નકલી ઘી રાજ્યના અનેક શહેરોમાં પહોંચે છે
જે કંપનીના જોઈએ તેના સિમ્બોલ લગાવીને ડબ્બામાં પેકિંગ કરી આ નકલી ઘી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથક અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓર્ડર મુજબ મોકલવામાં આવે છે જ્યારે આ નકલી ઘીની રણ કાંઠાના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ માંગ છે.



