વાહ… ગૌપ્રેમ હોય તો આવો
ગાયોના નિભાવ માટે 60થી 70 હજાર રૂા.નો ખર્ચ કરાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના એડવોકેટની ગૌસેવા જોઈને તમે પણ બોલી ઉઠશો કે વાહ, ગૌસેવા હોય તો આવી. રાજકોટના એડવોકેટ મેહુલ ત્રિવેદીએ 3 વર્ષ પહેલાં દૂધ દેતી બંધ થયેલી ગાયો માટે ગૌશાળા શરૂ કરી આવી ગાયોને કતલખાને જતી અટકાવવાનું નવું અભિયાન હાથ ધર્યું છે અને હાલમાં દૂધ ન દેતી હોય તેવી 35 જેટલી ગાયનો તેઓ નિભાવ કરી રહ્યા છે. રાજકોટમાં રહીને વકીલાતના વ્યવસાયની સાથોસાથ છેલ્લા 10 વર્ષથી ગાયોની પણ સેવા કરતાં એડવોકેટ મેહુલ ત્રિવેદી ગાયોની અદ્ભુત સેવા કરી રહ્યા છે. જે ગાયો દૂધ દેતી બંધ થઈ જાય છે તેને માલધારીઓ અથવા તેના જે માલીકો ત્યજી દે છે અને બાદમાં આ ગાયો કાં તો કતલખાને જાય છે અથવા તો મહાનગરપાલિકાના ઢોર ડબ્બે પૂરી દેવામાં આવે છે અને તેની હાલત વધુ દયાજનક બની જાય છે. આવી ગાયોને બચાવવાનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય તેમના દ્વારા 2022માં કર્યો હતો અને તેના ભાગરૂપે શીતલ પાર્ક પાસે આર. કે. વર્લ્ડવાળી શેરીમાં મહાનગરપાલિકા પાસેથી ઢોર ડબ્બામાં ગૌશાળા માટે એક શેડ રાખ્યો હતો. અહીં તેમના દાદી રૂક્ષ્મણીબેન રવિશંકર ત્રિવેદી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈમિષારણ્ય ગૌશાળા શરૂ કરી છે. આ ગાયોના નિભાવ માટે દર મહિને રૂા. 60થી 70 હજારનો ખર્ચ થાય છે. જેના માટે કોઈ અનુદાન ઉઘરાવતા નથી. મારી આવકમાં જ તેનો નિભાવ કરું છું. દૂધ ન દેતી ગાયો માંદી પડે ત્યારે તેમની સારવાર માટે ડો. ભટ્ટ નામના તબીબ ટોકન ચાર્જમાં સેવા આપે છે. ભવિષ્યમાં કલેકટર તંત્ર તરફથી જો અમારી સંસ્થાને ગૌશાળા માટે જમીન ફાળવવામાં આવે તો દૂધ ન દેતી હોય તેવી 1000 ગાયમાતાઓ માટે ગૌશાળા બનાવવાનું આયોજન છે.



