દિનેશની ખાલી જગ્યા ભરતી માટે દર્શાવી જ નહીં
એવું તો ક્યું રહસ્ય છે કે, આરદેશણા કેમેય કરીને સુધરતાં નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ રાજકોટ કોર્પોરેશન શિક્ષણ સમિતિની સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસ ખાતે સીઆરસીની ભરતી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સીઆરસી ભરતી માટે માત્ર સીઆરસી નં.6 અને નં.24 એમ બે ખાલી જગ્યા જ દર્શાવવામાં આવી હતી, હકીકતમાં સીઆરસીની ત્રણ જગ્યાઓ ખાલી છે. શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી અને એડીપીસી નરેન્દ્ર આરદેશણા દ્વારા ઈરાદાપૂર્વક સીઆરસી નં 15ની એક જગ્યા દર્શાવવામાં આવી ન હતી જેનું કારણ છે, સીઆરસીની એક ખાલી જગ્યા પર ફરી સસ્પેન્ડેડ સીઆરસી અને શિક્ષક દિનેશ સદાદિયાને ઘૂસાડી શકાય.
સીઆરસી ભરતી કેમ્પમાં ઉપસ્થિત કેટલાક લોકોએ ઈન્ચાર્જ શાસનાધિકારી અને એડીપીસી નરેન્દ્ર આરદેશણા પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેઓ ફરી દિનેશ સદાદિયાને પરત લાવીને સીઆરસી બનાવવા માંગે છે. આ કારણોસર તેઓએ સીઆરસીની ત્રણ જગ્યાઓ ખાલી હોવા છતાં માત્ર બે જ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરી છે. ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણા આજકાલથી નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સદાદિયાની નિકટ હોય તેઓ યેનકેન પ્રકારે તેને મદદરૂપ થતા રહે છે. આ અંગે આરદેશણા પોતે નિર્ણય માટે સક્ષમ અધિકારી હોવા છતાં પણ તેઓએ બહાલીની વાતો કરતા ઉપસ્થિત સૌએ વિરોધ ઉઠાવ્યો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, વિવાદ થતા સીઆરસી ભરતી કેમ્પ એડીપીસી અને ટીટી દ્રારા નિયમ વિરુદ્ધ સ્થગિત રાખવામાં આવ્યો છે, આજરોજ માત્ર સીઆરસીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જ કરવામા આવી હતી, ખાલી જગ્યા પર કોઈના ઓર્ડર અપાયા નથી. હાલ ચર્ચા ચાલી રહી છે કે, શિક્ષણ નિયામકની ઓફિસ દ્વારા દિનેશ સદાદિયાના સસ્પેન્ડેડ હુકમ ઉપર મંજૂરી આપી દેવામાં આવી છે તો પણ એડીપીસી આરદેશણાએ સદાદિયાને બચાવવા માટે તેની સીઆરસી નં.15ની ખાલી પડેલી જગ્યા પર ભરતી કેમ કરતા નથી?