આજની કિશોરીઓ આવતી કાલની માતાઓ છેઃ સ્વસ્થ બાળકને ત્યારે જ જન્મ આપી શકાય જયારે માતા પોતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ- તંદુરસ્ત હશે’ – પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવે
કિશોરીઓએ પોષણ જાગૃતિ વિશે ગરબો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા
રાજકોટ તા.૨૫ ઓકટોબર- રાજકોટના સંકલિત બાળ વિકાસ યોજના(આઇસીડીએસ) વિભાગ દ્વારા લોધિકા તાલુકાના ખીરસરા ગામની આંગણવાડીમાં ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા શકિત પોષણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
- Advertisement -
દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. મહેમાનોનું કિશોરીઓ દ્વારા ફુલો આપી સ્વાગત કરાયુ હતું. વિવિધ વિષયો ઉપર વિચારો વ્યકત કરીને ફાઇલ શણગાર કરનાર કિશોરીઓનું સન્માન કરાયુ હતું. ગરબામાં ભાગ લેનાર કિશોરીઓનું પણ મહાનુભાવો દ્વારા સન્માન કરાયુ હતું.
ખીરસરા ગામની કિશોરીઓએ પૂર્ણા શકિત પોષક આહાર વિશેનો ગરબો અને સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ. જયારે આ આંગણવાડીની બહેનો તથા કિશોરીઓએ પણ આંગણવાડીની વિવિધ પ્રવૃતિનો ગરબો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
- Advertisement -
પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવેએ કહયુ હતું કે આપણી ભાવિ પેઢી તંદુરસ્ત રહે તે માટે સરકાર બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને પૂરક પોષણ મળે તે માટેની વ્યસ્થાઓ કરે છે. આપણી આજની કિશોરીઓ આવતી કાલની માતાઓ છે. તે સ્વસ્થ બાળકને ત્યારે જ જન્મ આપી શકે જયારે તે પોતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હશે. માટે આપણી બાળા-કિશોરીઓ તંદુરસ્ત રહે તે ખૂબ જરૂરી છે. તે માટે જ સરકાર દ્વારા કિશોરીઓને પૂર્ણા શકિતના પેકેટ (પોષક આહાર), આર્યન-એનિમિયા-ફોલિક એસિડની દવાઓ વગેરે પૂરું પાડવામાં આવે છે. કિશોરીઓને સ્વચ્છતા વિશેની પણ સમજૂતિ અપાઇ હતી.
સીડીપીઓ પાયલ ઓઝાએ કહયુ હતું કે, આંગણવાડીઓના માધ્યમથી પોષણ અભિયાન અને પોષણ અભિયાન સિવાની વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ધરે પણ ફાસ્ટફૂડ અને તળેલા ખોરાક ન ખાવા વિશે જણાવ્યુ હતું.
પૂર્ણા કન્સલટન્ટ શ્રધ્ધા રાઠોડ અને ડો.વંદના સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન બીનાબેને અને આભારવિધિ મુકતાબેન મેઘાણીએ કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રના મોહિતભાઇ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહયા હતા.