હંગામી ધોરણે ઓછા પગારે નોકરી પર રાખીને ડિપોઝિટ પગાર હડપ કરીને શિક્ષકોનું શોષણ કરતા કહેવાતા મોટાગજાના સંચાલકો: JBN જ્ઞાનમંજરી શાળાના શિક્ષકો દ્વારા મુખ્યમંત્રીને આ અંગે ઘટતું કરવા રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.8
- Advertisement -
ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનમંજરીનાં સંચાલક દ્વારા બોટાદમાં ચાલતી ઉંગઇ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે નોકરી કરતાં શિક્ષકોનો પગાર ગેરકાયદેસર રીતે જમા રાખ્યા બાદ આપતાં ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પગાર જમા રાખનાર તત્કાલીન આચાર્ય વિક્રમભાઈ મહેતાએ હાથ અદ્ધર કરી દીધા હોય અને સંચાલક ભરત નાકરાણીએ ભોગ બનનાર શિક્ષકોને પગાર માટે કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરવાનું જણાવેલ, આ ઉપરથી સાબિત થાય છે કે તેમને ભારતીય સંવિધાનનો પણ ડર નથી લાગતો. જ્યારે હાલનાં આચાર્ય મનુભાઈ જાદવ દ્વારા ભોગ બનનાર શિક્ષકોને ફંડ આવશે તો આપશું અને તમે કોઈ કાર્યવાહી કરશો તો અમારા ખાનગી શાળા સંચાલક મંડળમાં એવો ઠરાવ પાસ કરશું કે તમને શિક્ષકોને બોટાદની એક પણ ખાનગી શાળામાં નોકરી ન મળે એવી ગર્ભિત ધમકી સંચાલકના ઇશારે આપવામાં આવી. આખરે થાકી-હારીને ભોગ બનનાર શિક્ષકો દ્વારા ઉંગઇ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદના સંચાલક ભરત નાકરાણી, આચાર્ય મનુભાઈ જાદવ વિરુદ્ધ આજરોજ CMO portal, કલેક્ટર બોટાદ, જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ગુજરાતને લેખિત અરજી દ્વારા પગારની છેતરપિંડી અને ગર્ભિત ધમકી આપ્યાની ફરિયાદ આપવામાં આવી છે. વધુમાં ભોગ બનનાર શિક્ષકો ભાવેશભાઈ ભગવાનજીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ કિરીટભાઈ વાઘેલા, પાર્થરાજસિંહ વિરેન્દ્રસિંહ ભાટી, વર્ષાબેન રમેશભાઈ મેતલિયા, સંજયભાઈ શીવાભાઈ ધોલેરિયાએ જણાવ્યું હતું કે અમારા બધા જ શિક્ષકોનો એક મહીનાનો પગાર તત્કાલીન આચાર્ય વિક્રમભાઈ મહેતા દ્વારા સંસ્થા ખાતે જમા રાખેલો હતો.
તેઓ દ્વારા અમોને બાંયધરી આપી હતી, બાકી રહેલો પગાર અમો બધાને તા. 30-4-2024 સુધીમાં ચૂકવી આપવામાં આવશે તેમ છતાં આજ દિન સુધી અમોને પગાર મળ્યો નથી. અમારા બાકી પગાર બાબત તત્કાલીન આચાર્ય વિક્રમભાઈ મહેતા જે હાલમાં વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ બોટાદમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેમનો સંપર્ક કર્યો તો તેઓ દ્વારા જણાવ્યું કે તેઓ સંસ્થામાંથી છૂટા થઈ ગયા હોય તમો બધા જેએનબી જ્ઞાનમંજરી વિદ્યાપીઠના હાલના આચાર્ય મનુભાઈ જાદવ પાસે જાવ એમ કહ્યું. ત્યાર બાદ અમે બધા મનુભાઈ જાદવ પાસે ગયા તો તેઓ કહે તમારો પગાર વિક્રમ મહેતા દ્વારા જમા રાખેલો છે તો હું કઈ રીતે આપી શકું? આવો ઉડાઉ જવાબ આપ્યો. આખરે જેએનબી જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સંચાલક ભરત નાકરાણીનો તા. 7-6-2024ના રોજ ટેલિફોનિક સંપર્ક કર્યો તો ચોરી ઉપર સિનાજોરી જેવો ઘાટ થયો. સંચાલક દ્વારા સત્તાના ઘમંડમાં ચકચૂર થઈ અમોને બાકી રહેલા પગાર પેટે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું,
તેમ છતાં અમો બધા શિક્ષકો ફરી એકવાર જેએનબી જ્ઞાનમંજરીના નવા આચાર્ય મનુભાઈ જાદવને મળવા ગયા અને રૂબરૂ આજીજીપૂર્વક રજૂઆત કરી પરંતુ સંચાલકની મીઠી નજર હેઠળ તેઓએ અમોને સંતોષકારક જવાબ આપ્યો નહીં અને વાત વાતમાં ગર્ભિત ધમકી આપી કે શાળા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થશો તો અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બોટાદમાં એવો ઠરાવ પાસ કરાવશું કે તમો એક પણ શિક્ષકને બોટાદની કોઈપણ ખાનગી શાળામાં નોકરી નહીં મળે તેમજ તમારા બધા વિરુદ્ધ છાપામાં પ્રેસનોટ પ્રસિદ્ધ કરાવી તમને બદનામ કરી દેશું. આ મીટીંગ બાદ પણ અમે ઘણીવાર ટેલિફોનીક સંપર્ક કરીને તેમની પાસે પગાર માટે આજીજી કરી હતી છતાં પણ આ જાડી ચામડીના લોકોએ અમારી વાત કાને ધરી નહીં અને પગાર કર્યો નથી. બધા શિક્ષકો મધ્યમ વર્ગના હોય પગાર ઉપર અમારા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે એ બધુ જાણતા હોવા છતાં સંચાલક ભરત નાકરાણી અને તત્કાલિન આચાર્ય વિક્રમભાઈ મહેતા અને હાલના આચાર્ય મનુભાઈ જાદવ દ્વારા અમોને પગાર આપવામાં આવતો નથી. આ કારણે અમો બધા આર્થિક તેમજ માનસિક રીતે ખૂબ જ હેરાન પરેશાન
થઈ ગયા છીએ. આ અંગે ન્યાય અપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અન્ય જવાબદાર અધિકારીઓને રજૂઆત કરાઈ છે.