રહેણાંક પ્લોટમાં બાંધકામ કર્યા બાદ કોમેશિયલમાં ફેરફાર કરવાની મથામણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા ભગવત પાર્કમાં રહેણાક હેતુ પ્લોટિંગ પર પાર્ટી પ્લોટની બાંધકામ બાબતે હવે તંત્ર દ્વારા કાર્યવાહી આદરી છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા સર્વે નંબર 1163માં બિન ખેતી કરાવી રહેણાક હેતુના પ્લોટ પડવામાં આવ્યા હતા જેમાં ક્રમ નંબર 2થી 6 સુધીના પ્લોટ પર હાલ બાંધકામ કરવામાં આવ્યું છે જ્યારે આ રહેણાક હેતુ બીન ખેતી કરાવેલ પ્લોટ પર પાર્ટી પ્લોટની બાંધકામ કરી હેતુ ફેર કરવાનું સામે આવતા નગરપાલિકા દ્વારા પ્લોટના માલિક મનસુખભાઈ પટેલને નોટિસ પાઠવી છે.
- Advertisement -
ગત 11 જૂનના અહેવાલને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા ગત અઠવાડિયે સ્થળ તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન પાર્ટી પ્લોટનું બાંધકામ નજરે પડતા મંજૂરી અંગેના દસ્તાવેજો રજૂ કરવા માટેની નોટિસ પાઠવી છે. તંત્રને ગેરમાર્ગે દોરવા માટે રહેણાક મકાન બનાવવા માટેની મંજૂરી પણ લેવામાં આવી હતી પરંતુ ત્યાં પાર્ટી પ્લોટ માટેનું રસોઈ ઘર ઊભું કરાયું છે. જ્યારે આ પાર્ટી પ્લોટનું બાંધકામ પણ અન્ય માલિકીના પ્લોટમાં કરાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગેરકાયદેસર મંજૂરી વગર પાર્ટી પ્લોટની બાંધકામ ઉભુ કરેલ પ્લોટના માલિક મનસુખભાઈ પટેલ દ્વારા રહેણાક હેતુ પ્લોટિંગ પર કોમર્શિયલ બાંધકામ કર્યા બાદ હવે પ્લોટના હેતુ ફેર માટેની કરવામાં આવેલ અરજી પણ નગરપાલિકા ખાતે રજૂ કરી છે. તેવામાં હવે મંજૂરી વગરના બાંધકામ સામે નોટિસ બાદ તંત્ર કેવા પ્રકારની કામગીરી હાથ ધરશે ? તે જોવું રહ્યું.