ઉત્તરાયણ પર રાજકોટ સિવિલ હોસ્પિટલ
પતંગના દોરાથી થતી ઈજા અને ધાબા પરથી પડવાના બનાવોને પહોંચી વળવા ખાસ આયોજન: બે ઓપરેશન થિયેટર અને ઈમરજન્સી વોર્ડ કાર્યરત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલે મકરસંક્રાંતિના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, પરંતુ પતંગના આ ઉત્સવમાં દોરાથી ગળું કપાવું, ધાબા પરથી પડી જવું કે વીજ શોક લાગવા જેવી દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ પ્રકારની ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ડૉ. મોનાલી માકડિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી 36 કલાક માટે હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે.
તબીબોની ટીમ અને ઓપરેશન થિયેટર તૈયાર
- Advertisement -
સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. કમલ ડોડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અધિક્ષક ડો. મોનાલી માંકડિયાના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઈમરજન્સી કેસોમાં ત્વરિત સારવાર મળી રહે તે માટે 2 ઈ.એન.ટી. (ઊગઝ) તબીબ, 2 સર્જન, 2 મેડિકલ ઓફિસર અને 2 ઓર્થોપેડિક તબીબોની ટીમ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત, ગંભીર સર્જરીની જરૂર પડે તેવા કિસ્સાઓ માટે ખાસ બે ઓપરેશન થિયેટર (ઘઝ) અનામત રાખવામાં આવ્યા છે. ઈમરજન્સી વિભાગમાં નાના-મોટા ટાંકા લેવા માટે મિની ઓપરેશન રૂમ પણ સજ્જ કરવામાં આવ્યો છે.
ઈમરજન્સી કેસોમાં વધારાની શક્યતાને લઈ ખાસ વોર્ડ
સામાન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ પર અકસ્માતના કેસોમાં મોટો ઉછાળો આવતો હોય છે. દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે સિવિલ હોસ્પિટલમાં અંદાજે 50 થી 60 ઈમરજન્સી કેસો નોંધાતા હોય છે. ઘણીવાર એકસાથે વધુ દર્દીઓ આવવાથી હોસ્પિટલમાં અફરાતફરી ન સર્જાય તે માટે વધારાના બેડની વ્યવસ્થા સાથેનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલમાં જરૂરી તમામ દવાઓ, પાટા-પિંડીના સાધનો અને જીવનરક્ષક ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે જેથી દર્દીઓને તમામ સારવાર એક જ સ્થળે મળી રહે. ડોક્ટરોએ નાગરિકોને અપીલ કરી છે કે પતંગ ચગાવતી વખતે ગળામાં પ્રોટેક્શન બેન્ડ પહેરવું અને ધાબા પર સાવચેતી રાખવી. તેમ છતાં, જો કોઈ દુર્ઘટના બને તો વિલંબ કર્યા વગર તુરંત સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગનો સંપર્ક કરવો. હોસ્પિટલનું સમગ્ર તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.



