આરોગ્ય કેન્દ્રોના પરચૂરણ સમાર કામો માટે લીધેલા કોન્ટ્રાક્ટની બાકી રકમ મેળવવા માટે અધિકારીએ 7500ની માંગી હતી લાંચ
ACBના PI એ.આર.ગોહીલ અને સુપર વિઝન અધિકારી વી.કે.પંડ્યાનું ટ્રેપિંગ સફળ
ખાસ-ખબર સંવાદદાતા
ભ્રષ્ટાચારનો વ્યાપ રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્ટ અધિકારીઓ એન્ટી કરપ્શનના હાથે પણ ઝડપાઈ જતા હોય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં. એક જાગૃત નાગરિકની જાગૃતતના લીધે એક અધિક મદદનીશ ઈજનેર લાંચની માંગણી કરતા ઝડપાઈ ગયો છે. જાગૃત નાગરિકે લાંચ માંગ્યા હોવાની એસીબીને માહિતી આપી હતી. જેના આધારે એસીબીએ એક છટકું ગોઠવ્યું હતું જેમાં ઈજનેરે રૂ. 7500 રોકડા માંગ્યા હતા.
આ કામના ફરીયાદીને વર્ષ 2017-18માં રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ, વિંછીયા, જામકંડોરણા તાલુકામાં આવેલા આરોગ્ય કેન્દ્રોના પરચૂરણ સમાર કામો માટેનો રૂ. એક કરોડ નો એન્યુઅલ રેન્ટ કોન્ટ્રાકટ પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ ગાંધીનગર તરફથી મળ્યો હતો. જે મળેલા કોન્ટ્રાકટ મુજબ ફરીયાદીએ અલગ-અલગ જગ્યાએ કામો કરેલાની કેટલીક રકમ મળવાની બાકી હતી. જે મેળવવા માટે મનજીભાઇ ભાણાભાઇ લુવાર, ઉ.વ.53, અધિક મદદનીશ ઇજનેર, (કરાર આધારિત), પી.આઇ.યુ. (પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ) હેલ્થ વિભાગ, રાજકોટનાએ કુલ 15 હજાર માંગ્યા હતા પરંતુ રકઝક બાદ રૂ.7500ની રકમ લાંચ પેટે આપવાની નક્કી થઈ હતી. જેની ફરિયાદ ફરિયાદીએ રાજકોટ એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)માં કરી હતી. જેના આધારે એક સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું અને પૈસા આપવા માટે ફરિયાદી ક્રિસ્ટલ મોલની સામે, સેલના પેટ્રોલ પંપ પાસે, કાલાવડ રોડ પર અધિક મદદનીશ ઈજનેર મનજીભાઈ લુવારને મળવા ગયા હતા અને ત્યાં પૈસા આપ્યા હતા. ત્યારે જ રંગેહાથે એસીબીએ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર છટકામાં એસીબીના ઙઈં એ.આર.ગોહીલે ટ્રેપિંગ કર્યું હતું જેના સ્ટાફમાં એસીબીના સુપરવિઝન અધિકારી વી.કે.પંડ્યાએ આ છટકાને સફળ બનાવી હતી.
રાજકોટ ACBના છટકામાં અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો
