શહેરના કેટલાય ગીચ વિસ્તારમાં ચોમાસાં દરમિયાન મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્રએ એક્શન લેવા જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યભરમાં 15 જૂનથી જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. રાજકોટ શહેરમાં હજુ વરસાદની ચાતક નજરે પ્રતિક્ષા થઈ રહી છે. હર વર્ષની સાથે આ વર્ષે ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવની સમસ્યા, ખાડાઓ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ તેમજ જર્જરિત મકાનના ભાગ તૂટી પડવા સહિતની સમસ્યાનો સામનો ન કરવો પડે તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે બાંધકામ ભીનું થવાના કારણે જૂના અને જર્જરિત બાંધકામ તૂટી પડવાની શક્યતા રહેલી છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવનું જોખમ સર્જાતું હોય છે અને આ સ્થિતિને ધ્યાને લઇ તંત્ર દ્વારા ભારે વરસાદ કે વાવાઝોડામાં જોખમી સાબિત થઈ શકે એવી જર્જરિત બિલ્ડીંગને નોટિસ ફટકારી આ પ્રકારના બાંધકામ સત્વરે ખાલી કરાવીને મોટી જાનહાનિ થતી અટકાવવી જોઈએ. શહેરમાં પરાબજાર, સોનીબજાર, મોચીબજાર જેવા ગીચ વિસ્તારમાં આવા કેટલાય જર્જરિત બાંધકામ આવેલા છે. તંત્ર દ્વારા કેટલાક જર્જરિત બાંધકામને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે, આગામી દિવસમાં પણ હજુ જે મિલકત ધારકોએ ભાગ દૂર કર્યો નથી તે લોકો વહેલી તકે જોખમી ભાગ હટાવે અથવા રીપેરીંગ કરે તેવી સુચના આપવામાં આવે એ જરૂરી છે.