ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ શહેરમાં એરોડ્રામ રોડ ઉપર આવેલ રાજકૃતિ બિલ્ડીંગના અપર લેવલ ઉપર આવેલી દુકાન નં. ઇ.યુ.એલ.2ના માલિક હિનાબેન શશિકાંતભાઈ સોલંકીએ રાજકોટના મોહનભાઇ કુરજીભાઇ ચનિયારાને સને 2016માં દુકાનનો અવેજ મેળવી રજી. સાટાખત કરી સોદો ન થતાં સાટાખતના અવેજની રકમ પરત આપવા આપેલા ચેક રિટર્ન થતાં ફરિયાદી દ્વારા ચેક રિટર્ન સબબ ના.કોર્ટમાં કેસ કરતાં સાટાખત કરી આપનાર આરોપી હિનાબેન સોલંકીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે. રાજકોટના હિનાબેન શશિકાંતભાઈ સોલંકીનાઓની માલીકીની એરોડ્રામ રોડ ઉપર આવેલ દુકાન તેઓએ તા. 19-10-2016ના રોજ સબ રજિસ્ટાર કચેરી ઝોન-3માં સાટાખત રજિસ્ટર્ડ સોદાખત કરી ફરિયાદી મોહનભાઇ કુરજીભાઇ ચનિયારાનાઓને રૂા. 10,10,000/-માં વેચાણ કરવાનું નક્કી કરેલું હતું, જે અવેજ પૈકી સુથીની રકમ રૂા. 9,50,000/- ફરિયાદીએ આરોપી હિનાબેનને આપેલ અને બાકીનો અવેજ રકમ રૂા. 60,000/- તા. 31-12-2016 સુધીમાં ફરિયાદીએ આરોપીને ચૂકતે આપી સદરહુ મિલકતનો રજી. વેચાણ દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું.
- Advertisement -
ઉપરોક્ત દસ્તાવેજ અંગત કારણોસર થઈ શકેલ નહીં અને આરોપી હિનાબેનએ ફરિયાદી પાસેથી સાટાખત કરી મેળવેલી સુથીની રકમ પરત ચૂકવવા પોતાના જમાઈ રાજેશભાઈ ધોળકિયાનો તા. 7-3-2017નો એચ.ડી.એફ.સી. બેન્ક, કાલાવડ રોડ શાખા, રાજકોટનો રૂા. 9,50,000/-નો ચેક આપેલો જે રિટર્ન થતાં ફરિયાદી મોહનભાઈએ બંને આરોપી સાસુ-જમાઈ હિનાબેન તથા રાજેશભાઈ વિરૂદ્ધ ના. કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
કેસ ચાલી જતાં કોર્ટ દ્વારા આરોપી નં. 2ની જવાબદારી માની સાટાખત કરી અવેજ સ્વીકારનાર આરોપી નં. 1 હિનાબેન સોલંકીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી હિનાબેન સોલંકી વતી પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્ર્વિનભાઈ ગોસાઈ, નીતેષભાઈ કથીરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારિયા તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા રોકાયેલા હતા.