ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
સને 2021માં પોલીસના ગ્રેડ પે બાબતે સરકાર સામે ઝુંબેશ ચાલતી હોય જેના સમર્થનમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ રાજકોટ કલેકટર કચેરી બહાર કાર્યક્રમ કરેલો હતો. જેમાં એનએસયુઆઈના કાર્યકરો રોહિત રાજપૂત, અભિરાજ તલાટીયા, પાર્થ બગડા, યશ ભીંડોરા, મિલન ઝંઝવાડીયા, જીત પારેખ, ચિરાગ બારડની ધરપકડ કરીને આઈ.પી.સી. કલમ 283 તથા ધ પોલીસ (ઈન્સાઈન્ટમેન્ટ ટુ ડીલ સકસેશન એક્ટ 1922ની કલમ 3 તથા જીપીએક્ટની કલમ 135 અન્વયેના ગુન્હો પ્ર.નગર પોલીસે નોંધેલ હતો અને ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ નામ. કોર્ટમાં ચાલી જતાં રાજકોટની નામદાર અદાલતે તમામ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કેસની વિગત એવી છે કે ગઈ તા. 26-10-2021ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ પોલીસ ગ્રેડ પે બાબતે સરકાર સામે ઝુંબેશ ચાલતી હોય તેના સમર્થનમાં આકસ્મીક કાર્યક્રમ કરેલો હતો અને જાહેર રસ્તા પર બેસીને ટ્રાફીકને અડચણ કરી પોલીસ ફોર્સ તુમ આગે બઢો હમ તુમારે હાથ હૈ જેવા નારા ઉચ્ચારી પોલીસ વિભાગના ઈરાદાપૂર્વક સરકાર પ્રત્યે અસંતોષ પેદા કરાવીને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરી આંદોલન કરીને આરોપીઓએ ગુન્હો કરેલ જે બાબતે પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરેલી હતી, ત્યાર બાદ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં આ કામમાં આરોપીઓના વકીલની દલીલોને ધ્યાને લઈ રાજકોટના નામ. અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી પરેશ એન. કુકાવા તથા નરેન્દ્રસિંહ એમ. જાડેજા, વિરલ એસ. ભટ્ટ રોકાયેલ હતા.