સમગ્ર કેસમાં સિનિયર એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા અને જીતેન્દ્રસિંહ જાડેજા રોકાયેલા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
મોરબીમાં વર્ષ 2017 માં મુસ્તાક ગુલમહમદભાઇ મીરની સુપર માર્કેટ નજીક ભર બજારે અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવાના ચકચારી ખૂન કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી સનાળાના હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, તેના ભાઇ ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા અને મૂળરાજસિંહ અજીતસિંહ ઝાલા, પલ્લવર રાવલ સામેનો કેસ ચાલી જતાં મોરબી પિન્સીપાલ સેશન્સ જજએ ચારેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
અત્યંત ચર્ચાસ્પદ ખૂનકેસની વિગત મુજબ, 4 એપ્રિલ 2017 ના રાતે મુસ્તાક ગુલમહમદ મીર એક્ટિવ સ્કૂટર લઇને મોરબીમાં સુપર માર્કેટ નજીકથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે આવી ચડેલા હિતેન્દ્રસિંહ સહિતના આરોપીઓએ તેની ઉપર અંધાધૂંધ ફાયરીંગ કર્યા હતા. હુમલામાં ગોળીઓ લાગતા નીચે પકડાયેલા મુસ્તાક પર ધડાધડ ગોળીઓ છોડવામાં આવી હતી. કુલ 10 ફાયર કરીને મુસ્તાકની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
હત્યાના બનાવ અંગે મરનાર મુસ્તાકના ભાઇ આરીફ મીરએ નોંધાવેલી ફરીયાદમાં પોતે બનાવ સમયે પોતે મુસ્તાક મીરની પાછળ સ્કૂટર લઇને જઇ રહ્યો હતો ત્યારે હિતેન્દ્રસિંહ અને તેના ભાઇ ધર્મેન્દ્રસિંહના સ્કૂટરની પાછળ બેઠા હતા અને હિતેન્દ્રસિંહે 10 ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યા કર્યાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનામાં આરીફ મીર ઉપરાંત વિજય વિઠ્ઠલાણી અને સોહિલ નામના કુલ ત્રણ વ્યક્તિને નજરે જોનાર સાહેદ દર્શાવાયા હતા. બનાવ સ્થઇ પરથી ફૂટેલા કારતૂસના 10 ખાલી ખોખા મળી આવ્યા હતા. જ્યારે મરનારના શરીરમાં ખૂંપી ગયેલી 4 ગોળી કાઢવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર કબજે કરી બેલસ્ટિક રિપોર્ટ માટે એફએસએલમાં મોકલી અપાયું હતું.
- Advertisement -
આ કેસ મોરબી પ્રિન્સીપલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષે ધારદાર દલીલ,રજૂઆતો થઇ હતી. ફરિયાદ પક્ષ દ્વાર નજરે જોનાર સાહેદ ઉપરાંત બેલેસ્ટિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મરનારના શરીરમાંથી મળી આવેલી ગોળીઓ, સ્થળ પરથી મળી આવેલા ફૂટેલા કારતૂસના ખાલી ખોખા આરોપી પાસેથી કબજે લેવાયેલા હથિયારમાંથી જ ફાયરીંગ કરાયાનો સ્પષ્ટ ઉલ્લેખ હતા. આ કેસમાં એક સાહેદ વિજય વિઠ્ઠલાણીનું અવસાન થયું હતું જ્યારે બીજો સાક્ષી સોહિલ હોસ્ટાઇલ જાહેર થયો હતો.
બચાવ પક્ષે રોકાયેલા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા, પિયુષ શાહે એવો બચાવ લીધો હતો કે, બેલેસ્ટિક એક્સપર્ટના રિપોર્ટમાં હથિયારની સાઇઝ 20 સે.મી. ની દર્શાવાઇ છે અને કબજે કરાયેલું હથિયાર 14.5 સે.મી.નું હતું. આમ બેલેસ્ટિક રિપોર્ટ અને પોલીસે કબજે કરેલા હથિયારના રિપોર્ટમાં તફાવત હોવાથી બેમાંથી એક રિપોર્ટ જ સાચો ગણાય. વધુમાં બેલસ્ટિક એક્સપર્ટના રિપોર્ટ મુજબ ફૂટેલા કારતૂસના 10 ખાલી ખોખા મળ્યા છે એ મુજબ બે હથિયારના છે. આમ ગુનામાં એક થી વધુ હથિયારનો ઉપયોગ થયાનું સ્પષ્ટ થાય છે અને ડોક્ટરે પણ અલગ અલગ દિશામાંથી ગોળીબાર થયાનો અભિપ્રાય આપ્યો હતો. આમ એકથી વધુ હથિયારમાંથી ફાયરીંગ થયાનું સ્પષ્ટ થાય છે પરંતુ પોલીસે માત્ર એક જ હથિયાર કબજે કર્યું છે. તદુપરાંત એવો પણ બચાવ લેવાયો હતો કે, મરનારના સગા ભાઇ આરીફ મીરે બનાવની રાતથી લઇને સવાર સુધી ફરિયાદ કરી ન હતી. બનાવના આઠ કલાક પછી ગુનો દાખલ કરાવ્યો હતો.
આરીફ મીરે પ્રથમ એવું જાહેર કર્યું હતું કે આરોપી ધર્મેન્દ્રસિં સ્કૂટર ચલાવતો હતો અને સ્કૂટર પાછળ બેઠેલા મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહે ફાયરીંગ કર્યા હતા. પરંતુ બનાવના દિવસે ધર્મેન્દ્રસિંહની હાજરી મોરબીમાં ન હોવાના પૂરાવા મળી આવ્યા ત્યારે ફરિયાદીએ એવું ફેરવી તોળ્યું હતું કે,હત્યાની ઘટનાથી હેબતાઇ ગયો હોવાથી ધર્મેન્દ્રસિંહનું નામ લખાવ્યું હતું પરંતુ સ્કૂટર અન્ય આરોપી મૂળરાજસિંહ ચલાવતો હતો. આમ ફરિયાદીના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય એક વિટનેસ સંજય ભરવાડે એવી જુબાની આપી હતી કે, પોતે હુમલાખોરો ભાગી ગયા પછી સ્થળ પર પહોંચ્યો ત્યારે મુસ્તાક મીર લોહીલુહાણ હતો. આરીફ મીર સહિતના અન્ય સાહેદો 1પ મીનિટ પછી સ્થળ પર આવ્યા અને હોસ્પિટલ લઇ જયા હતા.
આમ ફરિયાદી બનાવ સમયે મરનારના સ્કૂટરની પાછળ આવતો હતો એ વાત પણ પુરવાર થતી નથી. તદુપરાંત હુમલા પછી લોહીથી લથબથ મુસ્તાક મીરને ક્રિષ્ના હોસ્પિટલ લઇ જવાયો ત્યારે ફરિયાદી આરીફ મીરે પોતાની પાસે કોઇ વિગત ન હોવાની વાત કરી હતી અને રાજકોટમાં ઇન્કવેસ્ટ, પંચનામા સમયે પણ આવી કોઇ વિગતો જણાવી ન હતી. આ કેસ ચાલતા મુખ્ય ફરિયાદી ક્યારેય મુદ્દતે હાજર રહ્યા ન હતા. બન્ને પક્ષની દલીલ, રજૂઆત, રજૂ થયેલા પૂરાવા, સાક્ષીઓની જુબાની, બેલસ્ટિક એક્સપર્ટ ઓપિનિયન સહિતના પુરાવા ધ્યાને લઇને અદાલતે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ સહિત ચારેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓના બચાવ પક્ષે રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા, પિયુષ એમ.શાહ અને મોરબીના એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા.
પોલીસ જાપ્તામાંથી ફરાર હિતુભા સામેે ફરિયાદીની હત્યાની કોશિષ અને હત્યા કર્યાનો આરોપ
મુસ્તાક મીરની હત્યાના ગુનામાં જેલમાંથી કોર્ટ મુદ્દતે મોરબી લઇ જવાતા આરોપી હિતુભા ધ્રાંગધ્રા નજીક પોલીસને ચકમો આપીને ફરાર થયા બાદ મોરબી કાલીકા પ્લોટમાં મુસ્તાક મીરી હત્યાના ફરિયાદી આરીફ મીર પર ફાયરીંગ કર્યા હતા. આ ઘટનામાં આરીફ મીરને બે ગોળી વાગી હતી જ્યારે એક તરૂણનું મોત થયું હતું. આ બનાવમાં હિતુભા વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ થઇ હતી. ત્યાર બાદ તેને એટીએસની ટીમે વડોદરાથી હથિયાર સાથે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. નોંધનિય છે કે, ફરિયાદી આરીફ મીર વિરૂદ્ધ પણ મમુદાઢીની હત્યા અને ગુજસીકોટના ગુના નોંધાયા છે.