ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં સગા માસાને પણ ન મૂકી કરોડોનું ફૂલેકું ફેરવી અનેક લોકોને કાયદેસરના લેણા પેટે ચેકો ઈસ્યુ કરી આપનાર મવડી ખાતે ગેલમા પાઈપના પ્રોપરાઈટર દરજજે ધંધો કરનાર જયેશ મેઘાણીને નીચેની અદાલતે જુદા જુદા ચેક રિટર્નના છ કેસોમાં ફરમાવેલ સજા ભેગી કરી આપવા નામદાર સેશન્સ અદાલતમાં કરેલ માગણી રાજકોટના મહે. એડી. સેશન્સ જજ વી. કે. ભટે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકીકતો જોઈએ તો મવડીમાં બાપા સીતારામ ચોક આગળ સોજીત્રાનગરમાં ગેલમા કૃપા મકાનમાં રહેતાં અને ગેલમા પાઈપના નામે પ્રોપરાઈટર દરજ્જે ધંધો કરનાર જયેશ ધીરૂભાઈ મેઘાણીએ તેના સગા માસા લક્ષ્મણભાઈ ભીમજીભાઈ હાપલીયા સહિત છ લોકો પાસેથી લીધેલ રકમ પરત કરવા ઈસ્યુ કરી આપેલો ચેકો રિટર્ન થતાં તે અન્વયે લક્ષ્મણભાઈ હાપલીયા સહિતના જુદા જુદા લોકોએ આરોપી જયેશ મેઘાણી વિરૂદ્ધ નીચેની અદાલતમાં કુલ 6 કેસો દાખલ કરેલા હતા, જે તમામ કેસો ચાલી જતાં આરોપીને જુદી જુદી અદાલતો દ્વારા 6 કેસો સાબિત માની સજા ફરમાવતા હુકમો કરવામાં આવેલા, જે હુકમોની સમય અવધિ પૂરી થઈ જતાં સુધી અપીલો દાખલ કરવામાં ન આવતાં ભોગ બનનારાઓએ આરોપીનું પકડવોરંટ કઢાવતા આરોપીને જેલહવાલે કરવામાં આવતા આરોપીએ તેઓ વિરૂદ્ધની 6 કેસની સજાઓ અલગ અલગ ભોગવવા માગતા ન હોય જેથી 6 કેસની સજાઓ ભેગી કરી આપી કોઈ જ એક જ સજા રાખવામાં આવે તેવી દાદ માગતી માગણી રાજકોટની સેશન્સ અદાલતમાં કરી નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રજૂ કરી સજાઓ ભેગી કરી આપવા આરોપી તરફે રજૂઆતો કરવામાં આવી હતી.
આરોપીની રજૂઆતો સામે તેના માસા લક્ષ્મણભાઈ હાપલીયા વતી રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા વિગતવારના વાંધાઓ રજૂ કરી નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ સાથે લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરી જણાવેલું કે નામદાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર સીંગલ ટ્રાન્ઝેકશનમાંથી જુદા જુદા કેસો થયેલા હોય ત્યારે આરોપીની રજૂઆત ટકી શકે, હાથ પરના કેસમાં આરોપી તરફે રજૂ થયેલ ચૂકાદામાં પણ સીંગલ ટ્રાન્ઝેકશન અન્વયે કેસો થયા હોવાની હકીકતો જણાય આવતી હોય ત્યારે આરોપીનો જે ચૂકાદો આરોપીને લાગુ પડતો નથી હાલના કેસના ફરિયાદીઓ જુદા છે, વ્યવહારો જુદા છે, સ્થળ જુદા છે, કોઝ ઓફ એકશન જુદા છે, જુદી જુદી અદાલતોએ ચુકાદાઓ આપેલા છે, સજાઓ પણ અલગ છે ત્યારે આરોપીની માગણી ગ્રાહ્ય રહી શકે નહીં જેથી કરોડોનું ફૂલેકું ફેરવી અનેક લોકોના લેણા પેટે ચેકો આપી લેણા ન ચુકવનારની સજાનો રહેમ હોઈ શકે નહીં જેથી અરજી નામંજૂર કરવી જોઈએ તેવી રજૂઆતો કરવામાં આવી હતી.
તમામ પક્ષેની રજૂઆતો, વાંધાઓ, લેખિત રજૂઆતો, ચૂકાદાઓની હકીકતો લક્ષે લેતાં અરજદાર આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન સંબંધેના અલગ અલગ છ વ્યક્તિઓ દ્વારા તેઓના લેણા પેટેના ચેકો રિટર્ન થતાં નીચેની અદાલતમાં કેસો દાખલ કરવામાં આવેલા જે તમામ કેસની વિગતો લક્ષે લેતાં કોઈ સીગલ ટ્રાન્ઝેકશનમાંથી ઉદ્ભવેલા છ કેસ ન હોય દરેકમાં ફરિયાદી અલગ હોય, વ્યવહાર અલગ હોય, કોઝ ઓફ એકશન અલગ હોય અને જુદા જુદા અદાલતો દ્વારા સજાના ચૂકાદાઓ આપવામાં આવેલ હોવાનું જણાય છે, રજૂ કરવામાં આવેલા વાંધાઓ તથા લેખિત રજૂઆતમાં જણાવેલા ચૂકાદાની હકીકતો વંચાણે લેવામાં આવે તો તેમાં એક બનાવ અન્વયે જુદા જુદા કાયદાઓ હેઠળ બે ફોજદારી કેસો દાખલ થયેલા અને બંનેમાં સજા થયેલી તેવી હકીકતો હાલના કિસ્સામાં ન હોય સામાવાળાને વકીલ સુરેશ ફળદુ દ્વારા રજૂ કરેલા ચુકાદા અનુસાર એક જ વ્યવહારના કારણે ઉદ્ભવેલા અલગ અલગ કેસોમાં આપેલ સજા એકત્રિત રીતે ભોગવવાનો હુકમ કરવામાં આવે તો જ યોગ્ય હુકમ ગણાય પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર એક જ વ્યવહારના ભાગરૂપે છે કેસો ઉદ્ભવેલ ન હોય ત્યારે ક્રિ.પ્રો.કોડની કલમ 427 હેઠળની સત્તાઓ વાપરી શકાય નહીં તેમ માની અરજદારની સજાઓ ભેગી કરવાની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
- Advertisement -
ઉપરોક્ત કામમાં સામાવાળા લક્ષ્મણભાઈ હાપલીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતા.