હનીટ્રેપ કેસમાં ઝડપાયેલ બે આરોપીઓની વધુ તપાસ માટે પોલીસે ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના ભાગવત્ કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડ્યા ને હનીટ્રેપ માં ફસાવનાર ટોળકી પૈકી ઝડપાયેલ બે આરોપીઓને પોલીસે વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
- Advertisement -
હનીટ્રેપ કરનાર ટોળકીના શખ્શો ખોટાં નામ ધારણ કરેલ મહીલાઓ પાસે પુરૂષ મિત્રો બનાવી તેમની સાથે મિત્રતા કેળવી તેને આકર્ષિત કરવા વોટ્સએપ મેસેજ અને વિડિયો કોલ કરતી હતી ત્યારબાદ નક્કી થયેલ સ્થળે પુરૂષ મિત્રોને બોલાવી ડરાવી ધમકાવી સમાજમાં બદનામ કરવા અને પોલીસ ફરીયાદ કરવાનું કહી પૈસા ખંખેરવા ની કથિત કામગીરી કરતી હતી આવી જ રીતે આ ટોળકી એ સગીર યુવતીને ગીતા રબારી નું ખોટું નામ ધારણ કરાવી ભોજદે ગીર ગામના કથાકાર ને સાંગોદ્રા ગીર ગામની સીમમાં બોલાવી હાથ-પગમાં ફ્રેકચર કરી ગાડી ના કાચ તોડી રૂ.સાત હજારની લુંટ કરી હતી.આ ઉપરાંત દશ લાખની ખંડણી ની માંગણી કર્યાની નોંધાયેલ ફરિયાદ ઉપરથી પોલીસે અસલમ અનવરભાઈ ભટ્ટી ઉ.વ.25 રે.સાસણ ગીર,ઈરફાન કાસમભાઈ બેલીમ ઉ.વ.21 રે.સાંગોદ્રા ગીર બે આરોપીને ઝડપી લીધા હતા.પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી 55 હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે જ્યારે આ ટોળકી માં સામેલ સગીર યુવતી તથા ભોજદે ગીર ગામના સલીમ બહાઉદ્દીન લાંઘા નામના શખ્સ ને પકડવા વિગેરે વધુ તપાસ માટે બંને આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ ની માંગણી કરેલ જેના અંતર્ગત કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.હનીટ્રેપ કરનાર ટોળકીના આરોપી પૈકી અસ્લમ સામે મેંદરડા,ઈરફાન સામે તાલાલા પોલીસમાં એક એક ગુના નોંધાયેલ છે. આરોપીઓ હનીટ્રેપ સહિતના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ..?બીજા આરોપી ક્યાં છે..?પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપીની વધુ તપાસ થશે.ગીર સોમનાથ જીલ્લા ક્રાઈમ બ્રાંચ પી.એસ.આઈ.આકાશસિંહ સિંધવ,તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી તથા જમાદાર દેવેન્દ્રભાઈ ગાઘે આ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.



