સાથે જ આરોપીને 1.15 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આશુતોષ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી. દ્વારા દાખલ કરાયેલા ચેક રિટર્ન કેસમાં રાજકોટની અદાલતે આરોપી પરેશભાઈ ઈન્દુભાઈ પાટડીયાને દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ચેક મુજબની રકમ રૂ. 1,15,000 ફરીયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.આ કેસમાં આશુતોષ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી.ના રિકવરી ઓફિસર રાહુલભાઈ પ્રતાપભાઈ સોલંકી દ્વારા આરોપી સામે ચેક રિટર્ન બાબતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન આશુતોષ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લી. તરફથી એડવોકેટ દર્શિત સી. પાટડિયાએ મજબૂત દલીલો રજૂ કરી હતી તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અને વડી અદાલતના ચુકાદાઓ અદાલતના ધ્યાનમાં મૂક્યા હતા.
કેસની તમામ હકીકતો અને પુરાવાઓને ધ્યાનમાં લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી પરેશભાઈ ઈન્દુભાઈ પાટડીયાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 તથા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-255(2) હેઠળ દોષિત ઠરાવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ ચેકની રકમ રૂ. 1,15,000 60 દિવસની અંદર ચુકવવાનો આદેશ આપ્યો છે. જો આરોપી નક્કી સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો તેને વધુ ત્રણ માસની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષ તરફથી એડવોકેટ તરીકે અનિરુદ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડીયા તથા ધર્મીલ વી. પોપટ હાજર રહ્યા હતા.



