સેશન્સ અદાલત દ્વારા 3 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે થયેલા હત્યાના ગુન્હામાં આજીવન સજા પામેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. સેશન્સ અદાલત દ્વારા 3 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. વધુ હકીકત એવી છે કે તા. 13-8-2017ના રોજ સંગીતાબેન હરીશભાઈ કારીયાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તા. 13-8-2017ના રોજ બપોરે તેઓના ઘરે હાજર હતા ત્યારે ઈમરાનભાઈના મોબાઈલ પરથી ફોન આવેલો અને ફોન પર ગાળો આપવા લાગ્યા તેથી મેં ઈમરાનભાઈને હાથઉછીના રૂા. 10,000 આપ્યા તે મને આપી જાવ તેમ કહેતા ઈમરાનભાઈએ તેને કોઠારીયા રોડ રણુજા મંદિર આગળ બોલાવી અને ફરિયાદી તથા સુલતાનભાઈ તથા દીલાવરભાઈ તથા વિશાલભાઈ વગેરે ત્યાં ગયા અને ત્યાં રંજનબેન, રંજનબેનના ઘરવાળા અને ઈમરાનભાઈ ત્યાં હાજર હતા અને ફરિયાદીએ ઈમરાનભાઈ પાસે રકમ પરત માગતા ઈમરાનભાઈ ઉશ્કેરાઈ ગયા અને તેઓ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા અને આ દરમિયાન મારી સાથે રહેલા ત્રણેય જણા મને છોડાવવા વચ્ચે પડતા ઈમરાનભાઈ પાસે છરી હોય જે મને મારવા જતાં સુલતાનભાઈ વચ્ચે પડતા સુલતાનભાઈને પેટના ભાગે મારી દીધી અને રંજનબેન અને તેના પતિએ મને ઢીકાપાટુનો માર મારી અને ત્યારબાદ સુલતાનભાઈને ઈજાઓ થઈ હોય મધુરમ હોસ્પિટલમાં સારવારમાં લાવી હતી
પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ આઈપીસી કલમ 326, 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબની ફરિયાદ નોંધી હતી ત્યારબાદ સારવાર દરમિયાન સુલતાનભાઈનું મૃત્યુ થતા બનાવ ખૂનના ગુન્હામાં પલટાયેલો હતો અને પોલીસ દ્વારા આઈ.પી.સી. કલમ 302નો ઉમેરો કરવામાં આવેલો હતો અને જેમાં આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા ઈમરાન કરીમભાઈ માડમ, અશોક મનસુખભાઈ કુવાડીયા, રંજનબેન અશોકભાઈ કુવાડીયાની ધરપકડ કરેલી અને તેમની સામે ચાર્જશીટ કરેલું હતું ત્યારબાદ કેસ ચાલવા ઉપર આવેલો હતો અને કેસ ચાલી જતા રાજકોટની સેશન્સ અદાલત દ્વારા તા. 16-1-2024ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો અને આ કામમાં નામદાર સેશન્સ અદાલતે ઈમરાન કરીમભાઈ માડમ, અશોક મનસુખભાઈ કુવાડીયા, રંજનબેન અશોકભાઈ કુવાડીયાને તકસીરવાન ઠરાવી આજીવન સજાનો હુકમ કરેલો હતો અને દરેક આરોપીને 13,000 દંડ ભરવાનો હુકમ કરેલો હતો. આ કેસ સાંયોગીક પુરાવાનો હોય
અને સાંયોગીક પુરાવાની ચેઈન મળતી ન હોય આરોપીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સદરહુ હુકમથી નારાજ થઈને અપીલ કરેલી હતી. અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડમીટ કરી સરકારને નોટીસ કરેલી હતી અને જેમાં ઈમરાન કરીમભાઈ માડમ, રંજનબેન અશોકભાઈ કુવાડીયાએ જામીન અરજી કરેલી હતી. આ જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે આ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજૂ કરી શકેલ નથી, આરોપીઓની સામે ખૂન કરવાનું હેતુનો પણ પુરાવો સાબીત થતો નથી મહત્ત્વના સાહેદોને ફરિયાદ પક્ષે તપાસેલા નથી અને બનાવ જાહેર સ્થળ પર બનેલો છે ત્યાં આજુબાજુ લોકોના નિવેદનો નોંધવામાં આવેલા નથી ફરિયાદ જોતાં ફરિયાદ વખતે ફરિયાદીને કોઈ ઈજાઓ થયેલી હોવાનું જણાય આવતું નથી તેમજ આખો કેસ ફરિયાદ પક્ષ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલા છે વગેરે કાયદાકીય મુદ્દાઓની દલીલો કરવામાં આવી હતી અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. ઉપરોક્ત બચાવ પક્ષની દલીલો, અને કાયદાકીય આધારો અને સેશન્સ અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ઈમરાન કરીમભાઈ માડમ, રંજનબેન અશોકભાઈ કુવાડીયાને રૂા. 15000ના અપીલ ચાલતા દરમિયાન જામીન ઉપર મુક્ત કરેલા છે.
- Advertisement -
આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ, આશીષભાઈ ડગલી રોકાયેલા હતા.