સ્પેશ્યલ પોક્સો કોર્ટે ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા કર્યો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સ્પેશલ પોક્સો કોર્ટે 16 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરવાના ગુનામાં 20 વર્ષીય રવિ અબોટીને 10 વર્ષની કેદની સજા ફટકારી છે તેમજ ભોગ બનનારને 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
- Advertisement -
આ કેસની વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ ગામમાં રહેતા ફરિયાદીની સગીર વયની 16 વર્ષ પુત્રીને આરોપી રવિ જયેશ અબોટી (ઉંમર વર્ષ 20) કે જે ફરિયાદીના પાડોશમાં રહેતા હોય, ભોગ બનનારને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અને ઘરેથી બગાડી લઈ જઈ ભોગ બનનાર સાથે લગ્ન કરવાના ખોટા વચનો અને લાલચ આપી ભોગ બનનાર સાથે રાજકોટની બહાર રૂમ ઉપર દુષ્કૃત્ય આચરેલુ હતું પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ કરતા તેણી મળી આવેલી અને તેણીએ તેની સાથે બનેલ બનાવની હકીકત માતા – પિતાને જણાવતા તેના પરિવારના સભ્યોએ આરોપી વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી. પોલીસે આરોપીની અટક કરી જેલ હવાલે કરેલ. ત્યારબાદ કેસ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે 17 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તથા ભોગબનનાર, ફરિયાદી, ડોક્ટર અને પંચ તેમજ તપાસનીશ અધિકારી એમ 9 જેટલા સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલી હતી.
તમામ સાહેદો અને દસ્તાવેજી પુરાવા તેમજ ભોગ બનનારના શરીરના ભાગ ઉપરથી આરોપીના સ્પર્મની હાજરી મળી આવેલી અને એફએસએલ રિપોર્ટથી આરોપી સામે પુરાવો વધુ મજબૂત થયેલો હતો આ તમામ બાબતોને ધ્યાન માં લેતા આરોપી સામેના કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ થયેલ હોય અને મદદનીશ સરકારી વકીલ આબીદ સોસનની ધારદાર દલીલને ધ્યાને લઈ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ ટી. એસ. બ્રહ્મભટ્ટએ આરોપીને 10 વર્ષ સખત કેદની સજા અને 30 હજારનો દંડ તેમજ ભોગબનનારને વિક્ટિમ વળતર યોજનામાંથી રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન તેમજ મદદનીશ સરકારી વકીલ અતુલ જોશી રોકાયેલ હતા.