ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ વૈજ્ઞાનિકોના મતે સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં હાલમાં વાતાવરણની અસરને લીધે થ્રીપ્સનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળે છે. થ્રપ્સના બચ્ચા તેમજ પુખ્ત કીટક આંબાના કુમળા પાન પર ઘસરકા કરી ઝરણ થયેલ રસ ચૂસી નુકશાન કરે છે.
આ ઉપરાંત થ્રીપ્સનો ઉપદ્રવ આંબાના મોર પર પણ જોવા મળે છે. જેના લીધે મોર પીળો પડી સુકાય જાય છે. થ્રીપ્સના ઉપદ્રવની સીધી અસર કેરીના ઉત્પાદન પર જોવા મળે છે. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો.ડી.એમ.જેઠવા દ્વારા આંબાના બગીચા ધરાવતા સર્વે ખેડૂતોને ભવિષ્યમાં મોટું નુકશાન થતું અટકાવવા થ્રીપ્સના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે થાયામીથોકઝામ 25 ડબ્લ્યુ.જી.- 0.1 ગ્રામ/લીટર, ડાયમીથોએટ 30 ઈ.સી.- 1.5-2.0 મિલી/લીટર, કાર્બોસ્લ્ફાન 25 ઈ.સી.- 1.5-2.0 મિલી/લીટર, ઈમિડાકલોપ્રીડ 17.8 એસ.એલ.- 0.4 મિલી/લીટર, ટોલફેનપાયરેડ 15 ઈ.સી.- 2.0 મિલી/લીટર, સ્પાયરોટેટ્રામેટ 11.01 + ઈમિડાક્લોપ્રીડ 11.01 એસ.સી.- 0.75 મિલી/લીટર દવાઓનો ક્રમઅનુસાર જરૂરિયાત મુજબ વારાફરતી આખું ઝાડ પલળી જાય તે રીતે છંટકાવ કરવા જણાવાયું છે.તે ઉપરાંત જૈવિક ખેતી કરતા ખેડૂતો આંબામાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બસીયાના 1.15 ડબ્લ્યુ.પી. 5 ગ્રામ/લીટર અને વર્ટીસીલીયમ લેક્કાની 1.15 ડબ્લ્યુ.પી. 5 ગ્રામ/લીટર જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે.