ધોરાજીથી ઉર્ષ મેળો કરી પરત આવતા ત્રણ મિત્રોના અકસ્માતમાં મોત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ઝાલણસર પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ત્રિપલ સવારીમાં આવતા 3 મિત્રો બોલેરો સાથે ટકરાતા ત્રણેયના ઘટના સ્થળે મોત થયા હતા. સરગવાડાના 16 થી 18 વર્ષના યુવાનો ધોરાજી ઉર્સમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે કાળ આંબી જતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. જૂનાગઢના સરગવાડા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય આમીર મામદભાઈ અબડા, 18 વર્ષીય અરમાન મકસુદભાઈ કાદરી તથા 18 વર્ષીય અલ્ફાઝ હનીફભાઇ કાઠી નામના 3 યુવાનો ધોરાજી ખાતે ઉર્સમાં ગયા હતા. બુધવારની સવારે 4 વાગ્યાના અરસામાં ત્રીપલ સવારી બાઈક પર પરત આવી રહ્યા હતા તે દરમિયાન તોરણીયા પાટીયાથી ઝાલણસર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે જૂનાગઢ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા બોલેરો બાઈક સાથે અથડાયો હતો. ભયાનક અકસ્માતથી ત્રણેય મિત્રો બાઈક પરથી ફંગોળાઈ જતા ગંભીર ઇજા થવાથી આલ્ફાજ, અરમાન અને આમીરનું મૃત્યુ નીપજ્યું હતું. એક સાથે ત્રણ મિત્રોના મૃત્યુથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકમય માહોલ છવાઈ ગયો હતો. ત્રણેય મિત્રોનો એક સાથે જનાજો નીકળતા ગામ હિબકે ચડ્યું હતું. ગમખ્વાર અકસ્માત અંગે મૃતક યુવકના પિતા મામદભાઈ અલારખાભાઈ અબડાની ફરિયાદ લઈ તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
સીસીટીવીના આધારે બોલેરો ચાલકની શોધખોળ ઝાલણસર પાસે ત્રીપલ સવારી બાઈકને બોલેરોએ હડફેટે લેતા સરગવાડા ગામના ત્રણ યુવાનના મૃત્યુ થયા હતા. અકસ્માત અંગે સ્થળ પર પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન સાથે નાસી ગયો હોય સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા આધારે બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.