13 વર્ષમાં આવક કરતાં 80 લાખ જેટલી વધુ મિલકતો મળી આવી
હોદાનો દુરુપયોગ કરી એકઠી કરેલી મિલકતો અંગે તપાસ કરશે ACB
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 લોકોનાં મોત નીપજ્યા છે જેમાં મનપાના ભ્રષ્ટ અધિકારીઓની જવાબદારી પણ સામે આવી છે ટી.પી. શાખાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતની પૂછટાછના અંતે ધરપકડ કરાઇ છે ત્યારે આ કેસમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોદાનો દુરુપયોગ કરી બેફામ સંપતિ એકઠી કરી હોવાની ચર્ચાએ જોર પકડતા એસીબીએ તપાસમાં ઝંપલાવ્યું હતું દરમિયાન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાસેથી 13 વર્ષમાં 80 લાખથી વધુની મિલકત આવક કરતાં મળી આવતા તેના વિરુધ્ધ અપ્રમાણસર મિલકતનો એસીબીમાં ગુનો નોંધી ધરપકડ કરી છે.
મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર (વર્ગ-2) ભીખા જીવા ઠેબાની અપ્રમાણસર મિલકતની તપાસ એસીબીએ આદરી હતી. જે તપાસમાં 1-04-2012થી 31-03-2024 સુધીના સમયગાળામાં બેંક ખાતાઓની વિગતો તેમજ દસ્તાવેજો મેળવવામાં આવતા બહાર આવ્યું હતું કે, ઠેબાએ પોતાની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને, ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યુ છે જેથી આરોપી વિરુદ્ધ 79,94,153 રૂપિયાની આવક કરતા 67.27 ટકા વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. આ કેસની તપાસ પી.આઈ. પી.એ. દેકાવાડિયા ચલાવી રહ્યા છે.