જૂનાગઢ-ગીર સોમનાથ ચૂંટણી ધમાસાણ: બે જિલ્લાની 9 બેઠકમાં ચૂંટણી ચરમસીમાએ
ત્રીજો વિકલ્પ કોને ફાયદો કરાવશે અને કોને નુકશાન: ગ્રામ્ય વિસ્તારના મતદારો પર ઉમેદવારની મીટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
2022 વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે અને જૂનાગઢ-ગીર સોમનાથની 9 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવ્યું છે. 9 બેઠકો કબ્જે કરવા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્રણેય પક્ષના સ્ટાર પ્રચારકો ચૂંટણી સભા ગજાવીને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં ત્રીજો પક્ષ કોઈ દિવસ ફાવ્યો નથી તે અગાઉના પરિણામથી જોવા મળે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી જોરશોરથી ઝંઝાવાતી પ્રચાર કરીને ભીડ એકઠી કરવામાં મહદઅંશે સફળ રહ્યા છે. ત્રીજા પરિબળ તરીકે આપ કોનો ખેલ બગાડી શકે તેના પર કોંગ્રેસ – ભાજપની મીટ મંડાઈ રહી છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 9 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી, માત્ર ભાજપને કેશોદની એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો, નવ બેઠક કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો એક બાદ એક જાહેરસભા યોજી વિકાસના નામે મતદારોને રીઝવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જૂનાગઢ મુલાકાત બાદ ગીર સોમનાથમાં સભા કરી ચૂક્યા છે ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોડીનાર અને માંગરોળ બેઠકના માળિયાહાટીનામાં સભા ગજાવી હતી. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારો પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. આજ સુધી કોંગ્રેસના એક પણ દિગ્ગ્જ નેતા 9 બેઠક પર જંગી જાહેરસભા કરી નથી, બીજી તરફ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 બેઠક પર રોડ શો અને સભા કરીને પાર્ટીના મેનિફેસ્ટોમાં આપેલી ગેરેંટી વચનો આપીને મતદારોને રીઝવી રહ્યા છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે અપક્ષ પણ અઇઈ પાર્ટીનો ખેલ બગાડી શકે છે. કેશોદ બેઠક પર ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવીંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે અને કેશોદ બેઠક પર ચોપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. હાલ ચૂંટણી પ્રચારનો માહોલ ચરમ સીમા પર છે ત્યારે મતદારો કોના પર કળશ ઢોળશે તે તો આગામી 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કેટલો ફાયદો?
જૂનાગઢની પાંચ બેઠકમાં જોઈએ તો માણાવદર અને વિસાવદરના કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હર્ષદ રીબડીયા અને જવાહર ચાવડા ભાજપમાં જોડાતા આ બેઠક ભાજપ માટે આસાન મનાય રહી છે એવા સમયે પાંચ બેઠકનું ગણિતમાં કેટલો કોને ફાયદો થશે, તે જોવાનું રહ્યું.
- Advertisement -
કેશોદ બેઠક રસાકસી
2017માં માત્ર કેશોદ બેઠક ભાજપને ફાળે હતી ત્યારે 2022માં રસાકસી જોવા મળી રહી છે. ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી અરવિંદ લાડાણીએ કરતાં ભાજપ, આપ અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે ત્યારે અપક્ષ પણ કેશોદ બેઠક પર જોર લગાવી રહ્યા છે. પરિણામ શું આવે તે આગામી 8 ડિસેમ્બરે ખબર પડશે.
એક પણ બેઠક વન-વૅ નહીં
2022ની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે એક પણ એવી બેઠક દેખાતી નથી કે ક્યા પક્ષ માટે વન-વે છે? પક્ષ અને ઉમેદવારો અવઢવમાં જોવા મળે છે. એક પણ એવી બેઠક નથી કે કોઈ પણ પક્ષ જીતનો દાવો કરી શકે. રસાકસી વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.