ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગ્રેડ પે, જૂની પેન્શન સ્કીમ સહિતની માંગ મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ બાઈક રેલી અને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી હતી.
છેલ્લા 22 વર્ષ જેટલા સમયથી પડતર પ્રશ્નોને લઈ રાજ્યભરના કર્મચારીઓ દ્વારા પોતાને ટેક્નિકલ વિભાગમાં ગણી તે મુજબ તેમને ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે હાલ પડતર માંગણી મુદે પણ આરોગ્ય કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે અને આ લડતના ભાગરૂપે મોરબીમાં આરોગ્ય કર્મીઓએ બાઈક રેલી યોજીને કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપી તેમની પડતર માંગણી મુદ્દે રજૂઆત કરી હતી અને સાથોસાથ એવી પણ માંગણી કરી
હતી કે સરકાર અમારી આ માંગણીઓને ગંભીરતાથી લે અને તેના ઉકેલ માટે હકારાત્મક પ્રયત્નો કરે.
- Advertisement -
રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી ગ્રેડ પે વધારવા, નોકરીનો સમય સળંગ ગણવા, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા તેમજ કોરોના વોરિયર્સ તરીક જેમનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તે કર્મચારીઓએ જાહેર રજા ભોગવ્યા વિના કામ કર્યું હતું જેથી આ કામગીરીનું વળતર ચુકવવામાં આવે તેવી માગણી એમ એચ ડબલ્યુ, એફ એચ ડબ્લ્યૂ સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં સોમવારના રોજ આરોગ્ય કર્મચારીઓએ નટરાજ ફાટકથી લઈ કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી યોજી હતી બાદમાં ડીડીઓ, કલેક્ટર કચેરીના મેદાનમાં સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માગણી રજૂ કરી હતી. બાદમાં ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકાર આ માગણીઓ મુદે હવે ગંભીરતાથી વિચારે અને તેના ઉકેલ માટે ગંભીર બને તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી.