અંદામાન અને નિકોબારમાં ભૂકંપનાં આંચકા, ભારે પવન સાથે વરસાદ શરૂ : NDRFની ટીમો ખડેપગે
અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ચક્રવાત આસની દસ્તક આપી ચૂક્યું છે. અહીં સોમવારે એટલે કે આજે સવારે ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના 276 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં દિગલીપુરની નજીક અનુભવાયા હતા. તેનું કેન્દ્ર 15.66 અક્ષાંસ અને 92.30 દેશાંતર પર 39 કિમી ઊંડાઈમાં હતું.
ભૂકંપનું કેન્દ્ર સોમવારે સવારે 3.25 મિનિટે નોંધાયું હતું. જો કે આ સમયે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. વાવાઝોડા સંકટને પગલે સરકાર દ્વારા નૌકાદળ તથા એરફોર્સને એલર્ટ રાખવામાં આવ્યા છે. નીચાણવાળા ભાગોમાંથી લોકોનું સ્થળાંતર કરાવાયું છે. NDRF ટીમો તૈનાત છે અને સ્કુલ-કોલેજો બંધ કરી દેવાઈ છે.


