કારમાં તોડફોડ કરનાર ચાર સામે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કરી અટકાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની કારને જેતપુરમાં આંતરી હુમલો કરવામાં આવ્યો હતો. દૂધના ટેન્કરની ફોટોગ્રાફી કરવા મામલે હુમલો કરી કારમાં તોડફોડ કરવામાં આવી હતી આ અંગે જેતપુર તાલુકા પોલિસે ગુનો નોંધી ચાર શખ્સોને અટકાયતમાં લઇ વધુ તપાસ હાથ ધરી હે.
બનાવ અંગે પાટણના કાઠી ગામે રહેતા 27 વર્ષીય વિદ્યાર્થી આગેવાન દિલુજી ચીનુજી ઠાકોરે રાજુ ભરવાડ, ગોવિંદ ભરવાડ, વિક્રમ રબારી અને નવનીત ભરવાડ સામે જેતપુર તાલુકા પોલિસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા છ માસથી વિદ્યાર્થી નેતા અને આપ કાર્યકર યુવરાજસિંહ જાડેજા સાથે સોશીયલ મીડીયામાં કામકાજ કરે છે. ગઇ તા.16ના સવારે ભેસાણના પરબવાવડી ગામેથી તે યુવરાજસિંહ જાડેજા, વિજેન્દ્રસિંહ મકવાણા કાર નં. જીજે-18-ઇડી-0713 લઈને ગાંધીનગર જવા નીકળ્યા હતા કાર વિજેન્દ્રસિંહ ચલાવતા હતા. બારેક વાગ્યે વડીયાથી અમરેલી તરફના રોડે જતા આગળ એક દુધનું ટેન્કર ચાલ્યુ જતુ હોય અને આ દુધ હનુમાન ખિજડીયા ગામેથી કોઈ ડેરીમાંથી બનાવટી દુધ લઈને જતુ હોવાની શંકા હોય જેથી ટેન્કરની ચાલુ ગાડીએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી દરમિયાન ટેન્કરના ડ્રાઇવરે તેનું ટેન્કર ત્રાસુ ચલાવતા તેઓ યુ-ટર્ન લઈ પાછા વડીયા ગામ તરફ નિકળી અમરનગર રોડે જતા રેલવે ફાટક પાસે અન્ય એક બાઈક સવારે ગાડી ઉભી રખાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ ગાડી ઉભી રાખી ન હતી બાદ અમરનગર ગામ થઈ જેતપુર બાજુ જતા જેતપુર તરફથી એક ઈકો સ્પોર્ટ કાર નં. જીજે-03-જીઆર- 6715ના ચાલકે કાર રસ્તા પર આડી રાખી દીધી હતી. જેથી યુ-ટર્ન લેવાની કોશીશ કરતા અન્ય એક ઇકો કાર ધસી આવી હતી અને તેણે પણ રોડ પર ગાડી આડી રાખી દીધી હતી. જેથી ફરીયાદીએ કાર ઉભી રાખી દીધી હતી.
બાદ બંને કારમાંથી ચાર શખ્સો લોખંડના પાઈપ અને ધોકા સાથે નીચે ઉતર્યા હતા અને ગાળો આપી કહેવા લાગેલ કે, અમારા ટેન્કરની ફોટોગ્રાફી કેમ કરેલી છે, બાદ ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરતા એક શખ્સે માથાના ભાગે પાઇપનો ઘા ઝીંકી દીધો હતો જેથી લોહી નીકળવા લાગ્યું હતું. જયારે અન્ય શખ્સોએ પાઇપ અને ધોકા વડે ગાડીનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો. દરમિયાન યુવરાજસિંહએ 112 હેલ્પલાઇનમાં ફોન કરી દીધો હતો દરમિયાન પોલિસ વેન અને એમ્બયુલન્સ આવી જતાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



