આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાએ પોતોના ઘરે જ અનશન આંદોલન શરૂ કર્યું છે. તેઓએ નિવેદન આપતા કહ્યું કે 15 ઓગસ્ટના દિવસે રાજકોટ પોલીસે રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ અટકાયત કરી હતી અને રાષ્ટ્રધ્વજનું પોલીસે જ અપમાન કર્યું હતું. જેથી અમે આજથી સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યુ છે. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી સત્યાગ્રહ આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.
તા.15ના સવારે 9 વાગ્યે રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ‘આપ’ના કાર્યકર અહેમદ સાંઢ પોતાના હાથમાં લાઠીમાં લગાવેલો ધ્વજ રાખીને ઊભા હતા અને અન્ય કાર્યકરોએ રાષ્ટ્રગાન શરૂ કર્યું હતું. 58 સેકન્ડમાં રાષ્ટ્રગાન પૂરું થાય તે પહેલા 55મી સેકન્ડે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે અહેમદ સાંઢના હાથમાંથી ધ્વજ આંચકી લીધો હતો અને સ્થળ પરથી 18 કાર્યકરની અટકાયત કરી હતી. ‘આપ’ના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ચાલુ રાષ્ટ્રગાન અટકાવી રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવ્યા વગર ધ્વજ આંચકી વીંટાળી લીધો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે કલેક્ટર તંત્રને 11મીએ પત્ર લખી મંજૂરી માગી હતી પરંતુ મંજૂરી કે નામંજૂરી અંગે કોઇ પણ પ્રકારની લેખિત જાણ કર્યા વગર કાર્યક્રમ થવા દીધો નહોતો અને પોલીસે રાષ્ટ્રગાન અટકાવી અપમાન કર્યું હતું.
- Advertisement -
બીજી બાજુ ક્રાઇમ બ્રાંચના PI વિરલ ગઢવીએ કહ્યું હતું કે, રાષ્ટ્રધ્વજના પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રધ્વજની સાઇઝ નહોતી, રાષ્ટ્રધ્વજ ચોક્કસ ઊંચાઇ પરથી ચોક્કસ ગરિમા સાથે જ ફરકાવી શકાય. પરંતુ ‘આપ’ના કાર્યકરોએ એક સાદી લાકડીમાં ધ્વજ રાખી રાષ્ટ્રગાન શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં હાલમાં કોરોનાની સ્થિતિને કારણે તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ છે. ત્યારે મંજૂરી વગર ‘આપ’ના કાર્યકરોએ કાર્યક્રમ કર્યો હતો અને રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કર્યું હતું.આપ ના રાજભા ઝાલાએ પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યાનો અને ક્રાઇમ બ્રાંચના PI ગઢવીએ ‘આપ’ના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યાના સામસામે આક્ષેપ કર્યા હતા. 55 સેકન્ડમાં બબ્બે વખત રાષ્ટ્રધ્વજનું અમપાન થયું હતું. એકમાં ‘આપ’ના કાર્યકરો પર આક્ષેપ છે તો બીજામાં પોલીસ પર આક્ષેપ થઇ રહ્યા છે, પરંતુ એક પણ વ્યક્તિ સામે રાષ્ટ્રધ્વજના અપમાન અંગે ગુનો નોંધવામાં આવ્યો નહોતો.