ખાસ-ખબર સંવાદદાતા
સરકારી તંત્ર લોકોની પીડા સમજતું નથી અને અધિકારીઓ પણ તુંડમિજાજી હોવાના અવારનવાર આરોપ લાગતા હોય છે જોકે પાંચેય આંગળી સરખી હોતી નથી તેમ દરેક સરકારી અધિકારીઓ પણ સરખા હોતા નથી તેનું જીવંત ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું હતું જેમાં મામલતદારના માર્ગદર્શન હેઠળની ટીમે દિવ્યાંગ બાળકના ઘરે જઈને બાયોમેટ્રિક અપગ્રેડ કર્યું હતું.
મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ સોલંકીના 6 વર્ષના દિવ્યાંગ પુત્ર ધ્રુવને આધારકાર્ડમાં બાયોમેટ્રિક અપગ્રેડેશન કરાવવાનું હતું પરંતુ બાળક દિવ્યાંગ હોવાથી તેને લઈને લાલબાગ મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતે જવાય એમ ન હતું જેથી તેમના દ્વારા હેલ્પલાઈન પર મદદ માંગવામાં આવી હતી જે બાબત મોરબીના ગ્રામ્ય મામલતદાર નીખીલ મહેતાને ધ્યાન પર આવતા તાત્કાલિક આધાર કાર્ડની કીટ સુપરવાઈઝર સાથે તેમના ઘરે મોકલી હતી અને બાયોમેટ્રિક અપગ્રેડેશન કામગીરી કરવામાં આવી હતી.