ટેકનિકલ ખામી દૂર થયા બાદ જિલ્લા પંચાયત અને ભાજપ સંગઠનના પ્રયાસોથી કામગીરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ ખામીના કારણે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી બંધ હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108) અને રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ કેયૂરભાઈ ઢોલરિયાના અથાગ પ્રયત્નોથી આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપ સંગઠનના સહયોગથી આ સમસ્યાના નિવારણ માટે રજૂઆતો કરવામાં આવી હતી. રાજાભાઈ ચાવડા અને કેયૂરભાઈ ઢોલરિયાએ રાજકોટના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત કર્મચારીઓને રજૂઆત કરી હતી. આ રજૂઆતોને પગલે તાત્કાલિક અસરથી રાજકોટ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડ કાઢવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી તાલુકાના લોકોને મોટી રાહત મળી છે.