રાજકોટમાં ગરબા આયોજકોનો સુરક્ષાના ભાગરૂપે નિર્ણય
આધાર કાર્ડના આધારે જ ખેલૈયાઓના પાસ બનાવવામાં આવશે,
પાસ વિતરણ સમયે પણ ઓરિજિનલ આધારકાર્ડ દર્શાવવું પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી સમયમાં ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી મહોત્સ શરૂ થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે. રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયજકો દ્વારા નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.
સહિયર ગરબા ગ્રુપના સંચાલક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છેકે, સહિયર નવરાત્રી ઓલ ઓવર સમાજને સાથે રાખીને આટલા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરે છે. રાજકોટમાં કોઇ અધિટત બનાવ હજી સુધી બન્યો નથી. ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે. અમે છેલ્લા બે વર્ષથી કોઇપણ આધાર કાર્ડ કે એવું પ્રૂફ કે જેની ઓળખાણ થઇ શકે એવું અમે લઇએ છીએ. અમારા પાસ ત્યાં સુધી ખુલતા નથી જ્યાં સુધી પોતાનું આઇડી કાર્ડ જમા ન કરાવે. એક સુરક્ષાની દૃષ્ટિએ કહીંએ કે અફરા-તફરીના માહોલની દૃષ્ટિએ કહીએ એક આધાર પુરાવો જરૂરી છે કે આટલી બધી લોકોની ઉપસ્થિતિમાં આપણી પાસે ખેલૈયાઓનું આ લિસ્ટ છે અને તે ક્યાં રહે છે તેનો આધાર પુરાવો અમારી પાસે હોય. કંઇપણ થાય ત્યારે એ કામમાં લાગે છે. આટલા વર્ષોથી અમારા ગ્રાઉન્ડમાં નવરાત્રી માટે આવતી દીકરીઓની અમે અમારી દીકરીઓ છે એ રીતે સાર સંભાળ રાખવામાં આવે છે. લોકોનો વિશ્વાસ અમારા પર છે. કડવા પાટીદાર સમાજના આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું છેકે, અમારે ત્યાં પહેલાથી જ આ પદ્ધતિ છેકે, આધાર કાર્ડના આધારે તેમનો પાસ બનાવવામાં આવે છે. જ્યારે પાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે તેમનું ઓરિજિનલ આધારકાર્ડ દર્શાવવું પડે છે અને ત્યારબાદ જ પાસ ઇસ્યૂ કરવામાં આવે છે.
- Advertisement -
3જી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ
નવરાત્રીનો હિન્દુ તહેવાર, જેમાં લોકો 9 દિવસ ઉપવાસ કરે છે અને દેવી-દેવતાઓની પૂજા કરે છે. તે 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ દરમિયાન ગુજરાતી લોકો રાજ્યભરમાં આયોજિત કાર્યક્રમોમાં મોટા જૂથોમાં ગરબા અને દાંડિયા રમીને પ્રસંગની ઉજવણી કરે છે. આ સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. અને બહોળી સંખ્યામાં લોકો ગરબામાં ભાગ લે છે અને તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં ગરબામાં અન્ય સમાજના લોકોના પ્રવેશ અંગે પાટીદાર સમાજે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જ પાટીદાર સમાજે ગરબા કાર્યક્રમમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે.