જૂનાગઢના યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ઘરેથી નોકરી શોધવા જવાનું કહી ટીંબાવાડીની દીપાંજલી સોસાયટીમાં રહેતા યુવાને વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. શહેરના વિલીંગ્ડન ડેમમાં યુવાને ઝંપલાવ્યું હોવાની જાણ શનિવારે બપોરે થતાં ભવનાથ પોલીસ દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતા મહામહેનતે કર્મચારી નૂરમહમદ ભાઈએ ડેમના પાણીના તળિયામાંથી મગરોની વચ્ચેથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક ટીંબાવાડી વિસ્તારમાં આવેલ દીપાંજલિ 2 સોસાયટીમાં રહેતો 22 વર્ષીય રિતેશ બિમલ કિશોર રામ ઉ.22 હોવાનું ખુલ્યું હતું. ઘટના અંગે પરિવારજનોને જાણ કરતા મરનાર યુવાનના પિતા કિશોરભાઈ દોડી આવ્યા હતા. તેમણે પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો મોટો પુત્ર રિતેશ બપોરે નોકરી શોધવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં બેકારીથી કંટાળીને ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. મૃતક યુવક તેના ભાઈ, બહેનથી મોટો હતો અને છેલ્લા કેટલાક સમયથી નોકરી શોધતો હતો પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ભવનાથના એએસઆઈ ભૂમિકાબેન જેઠવાએ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.



