પોલીસે રાતોરાત ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો
રંગીલા રાજકોટમાં ધુળેટીની રાત રક્તરંજીત બની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટમાં નેપાળી યુવકને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. મોડી રાત્રે 2.30 વાગ્યાં આસપાસ કે. કે. વી. ચોક પાસે બ્રિજ નીચે ખૂની ખેલ ખેલાયો હતો. 33 વર્ષીય રાહુલ વિશ્વકર્મા રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. કે.કે.વી. ચોકે બેસતા તેના પિતાને મળવા ગયો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. રાત્રે જ પોલીસે હત્યારા આરોપીને સકંજામાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં મોબાઈલ બાબતે સામાન્ય માથાકૂટમાં મર્ડરનો બનાવ બન્યો હોવાનું ખુલ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યે આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ એક અજાણ્યા યુવાનને લોહી લુહાણ હાલતમાં લાવ્યો હતો. 108 ના સ્ટાફે જણાવ્યા મુજબ આ યુવાન કેકેવી બ્રિજ નીચે ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડ્યો હતો. જેથી બનાવ અંગે પહેલા કોઈ સ્પષ્ટતા હતી નહીં.
જોકે ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એસીપી, પી.આઈ. સહિતના અધિકારીઓનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તત્કાલ પોલીસે આ યુવાનની ઓળખ કરવા માટે તજવીજ કરી હતી. દરમિયાન યુવકની ઓળખ રાહુલ પ્રેમસિંગ ઉર્ફે પઠાણભાઈ વિશ્વકર્મા હોવાની ઓળખ થઈ હતી. વધુ તપાસ કરતાં આ યુવાન રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક નજીક ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ ટુકડી તેના ઘરે દોડી ગઈ હતી અને તેના માતા અને ભાઈ બહેનને જાણ કરી હતી. પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ રહેલા રાહુલે વહેલી સવારે 06:00 વાગ્યા આસપાસ સારવારમાં દમ તોડી દીધો હતો. જે અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરી હતી.
માલવીયા નગર પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતા નેપાળી સમાજના આગેવાન નેપાળી સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયરાજ કારકી અને અન્યે આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રાહુલના અગાઉ લગ્ન થયા હતા પરંતુ બાદમાં ચાર વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. રાહુલના માતા-પિતા પણ અલગ અલગ રહે છે. રાહુલ તેના માતા સરસ્વતીબેન, અને ભાઈ સાહિલ સાથે રહેતો હતો. તેમને એક બહેન છે જેનું નામ રીંકલ છે. જે રાજકોટમાં જ સાસરે છે. રાહુલ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મુખ્યત્વે રાહુલ રાત્રે બહાર રહેતો હતો.અઠવાડિયામાં એક બે રાત આ જ રીતે તે બહાર ફરતો રહેતો હતો. જેથી ગઈકાલે તે ઘરે ગ્યો નહોતો. આશરે આઠેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. તેના પિતા પઠાણભાઈ કેકેવી ચોકે બેસતા હોય તેને મળવા અવાર નવાર તે કેકેવી ચોકે જતો. ગઈકાલે પણ તે પિતાને મળવા જ અહીં આવ્યો હોવાનું અનુમાન છે. જ્યાં આરોપી સાથે માથાકૂટ થતા મામલો બીચકતા સમગ્ર બનાવ બન્યો હોવાનું તારણ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.



