હાથો તૂટી જતા સાથળમાં છરી ખૂંચેલી હાલતમાં જ યુવકને હોસ્પિટલે ખસેડાયો
ગાંધીગ્રામ, ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સગીર સહીત પાંચને રાતોરાત દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયા રોડ પર કનૈયા ચોક શિવપરામાં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર ઉ.18 નામનો યુવાન રાત્રે ઘર નજીક હતો ત્યારે ચાર-પાંચ શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીકી દેતાં છરી સાથળમાં જ ખૂંપી જતા લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો બનાવની જાણ થતાં પરિવારજનો અને સમાજના લોકો દોડી આવ્યા હતાં અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચ તેમજ એલસીબી ઝોન-2નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત તેજસ ડાંગરના પિતા વિનુભાઇ જેસંગભાઇ ડાંગર ઉ.48ની ફરિયાદ પરથી રેહાન અસલમભાઇ શેખ, સિકંદર કાલાવડીયા, શાહનવાઝ, અરમા, જુનેદ સામે રાયોટીંગ, હુમલો સહિતનો ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે સવાર સુધીમાં ત્રણ સગીર સહીત પાંચ આરોપીઓને દબોચી લીધા હતા.
વિનુભાઇ ડાંગરે નોંધાવેલો ફરિયાદમાં જણાવ્યું છે કે મારા દિકરા તેજસ સાથે બે દિવસ અગાઉ મોહમ્મદ સાથે મસ્તી કરી હોઇ તે બાબતે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન રવિવારે રાતે ફરી ગાળાગાળી થતાં તેજસે ગાળો બોલવાની ના પાડી હતી અને અગાઉના મનદુ:ખ બાબતે તે વાતચીત કરવા રેહાન શેખ પાસે ગયો હતો. આ વાતચીત વખતે બીજા બે આરોપી આવી ગયા હતાં અને તેજસને ઢીકાપાટુ મારી ગાળો દીધી હતી. તેમજ અન્ય એક પાંચમા આરોપીએ પણ ઝઘડો કરતાં દેકારો મચી ગયો હતો આ માથાકુટની મને જાણ થતાં હું ત્યાં પહોંચી ગયો હતો અને ઝઘડો નહિ કરવા બધાને સમજાવ્યા હતાં.
આ દરમિયાન આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને ફરીથી ઝઘડો કરી મારી વાતને ન માની ફરીથી મારા દિકરા તેજસને ઢીકાપાટુ મારવા માંડયા હતાં. આ દરમિયાન એક આરોપીએ પોતાની પાસેની છરી કાઢીને મારા દિકરાના જમણા સાથળમાં પાછળના ભાગે ઘા મારી દીધો હતો. જેથી છરીનો હાથો નીકળી ગયો હતો અને છરીનું પાનું સાથળમાં જ ખૂંપેલી હાલતમાં રહી ગયું હતું. છરીનો હાથો સિકંદરના હાથમાં રહી ગયો હતો. આ પછી આ બધા ભાગી ગયા હતાં. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સવાર સુધીમાં ત્રણ સગીર સહીત પાંચ આરોપીની ધરપકડ કરી લીધી હતી રાત્રે ઘટના સ્થળે ફરી કોઇ ડખ્ખો ન થાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.