અકસ્માત બાદ ડ્રાઇવર ગાડી મૂકી ફરાર: હાઇવે પર ટ્રાફિકજામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે NH27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં રહે છે, ત્યાં આજે ફરી એક કરુણ ઘટના બની હતી. ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં અકસ્માતમાં એસટી બસનું ટાયર ફરી વળતાં તેનું માથું ફાટી ગયું હતું અને મોત થયું હતું.
અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુવકની લાશને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક બાઈકસવાર હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. એ દરમિયાન મેંદરડા-જૂનાગઢ-રાજકોટ રૂટની ૠઉં18 ણઝ 1941 નંબરની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનું ટાયર બાઈકસવારના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું હતું.
મૃતક ભાવિકભાઈ નરેશભાઈ લશ્કરી ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતો હતો અને ઉંમર આશરે 27 વર્ષ હતી. તે ૠઉં03 ખજ 8569 નંબરની બાઈક પર નોકરી જતો હતો. તે રોજ ગોંડલથી અપડાઉન કરતો હતો. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી અને સ્થાનિક લોકોએ મૃતકના ખિસ્સામાંથી લાઇસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ કરી હતી.
મૃતક સિંધાલ પાવર પ્રેસ લિમિટેડ શાપર વેરાવળ નામની કંપનીમાં કામ કરતો હતો. તેના મેરેજને 2 વર્ષ થયાં છે. તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેનમાં આ તે સૌથી મોટો હતો. જ્યારે કે તેને એક 2 મહિનાનો દીકરો છે.
આ કરુણ ઘટનાને પગલે હાઇવે પર લોકોનાં ટોળેટોળા એકઠાં થઈ ગયાં હતાં અને ટ્રાફિકજામનાં દૃશ્ર્યો સર્જાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર બસચાલકની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગોંડલ-રાજકોટ હાઇવે પર સતત થતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે હાઇવે પર ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે.