કીર્તિમંદિર પોલીસ મથકના ડી સ્ટાફે બાતમીના આધારે યુવાનને ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા મીત ઇશ્વર મઢવી નામના યુવાનને મોપેડની ડેકીમાં છુપાવીને 520 ગ્રામ ગાંજો રાખીને માણેકચોકમાં વેચાણ કરતા પકડાયો હતો. મીત મઢવી ગાંજાનું વેચાણ તદન ગાંધીજન્મસ્થાનની નજીક કરી રહ્યો હતો.પોલીસે ચોક્કસ બાતમીના આધારે વિડીયોગ્રાફર સાથે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાગાયત અધિકારી અને જુનીયર ક્લાર્કને પંચ તરીકે હાજર રાખવામાં આવ્યા હતા.
ખાનગી વાહનોનો ઉપયોગ કરીને મિત મઢવીને પકડી પાડવામાં આવ્યો હતો. મોપેડની ડેકી તપાસતાં, પારદર્શક પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી જેમાં સૂકા પાંદડા, ડાળખા, અને બી સાથેના વનસ્પતિજન્ય પદાર્થો હતા. પ્રાથમિક તપાસમાં તે ગાંજો હોવાનું જણાતા એફ.એસ.એલ. અધિકારીને જાણ કરવામાં આવી હતી. ગાંજાનો જથ્થો 520 ગ્રામ વજનનો હતો અને તેની કિંમત 5200 રૂપિયા ગણવામાં આવી હતી.પોલીસે મીત મઢવીને ધરપકડ કરી અને 25000 રૂપિયાના મોપેડ અને 5200 રૂપિયાના ગાંજાનો મુદામાલ કબ્જે કર્યો. મીતે પુછપરછમાં જણાવ્યું કે તે આ જથ્થો અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અજાણ્યા માણસ પાસેથી લાવ્યો હતો. પોલીસ હવે અમદાવાદના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરશે.



