સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે પાડોશીએ જ હત્યા કરી, વચ્ચે બચાવવા પડેલા યુવક પર પણ હુમલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની હત્યા કરવામાં આવી છે. પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છરી વડે ગળું કાપી નાખ્યું હતું, જેથી તે યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
- Advertisement -
પોલીસે મોડીરાત્રે આરોપીને ઝડપી લીધો છે. ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ છે. સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી. એ દરમિયાન ગાંધીધામના શખસ મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો, જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે તે મને શું કામ બ્લોક કરી દીધો છે, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી. આમ સાંભળતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી યુવતીના ગળા ઉપર ઝીંકી દીધી હતી.
આ દૃશ્ય જોઈ તેના મિત્રએ વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરતાં ક્રોધમાં રહેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છરી મારી દીધી હતી. બન્ને જણાને ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતાં યુવક બાઈક મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચી બનાવની વાત કરી હતી. એના પગલે સંચાલકો દોડી આવ્યા હતા અને બન્ને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં. યુવક અને યુવતીનાં ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બન્નેના સંબંધ વિશે પણ તપાસ ચાલી રહી છે.



