ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
પરંપરાગત માટીકલા સાથે જોડાયેલા મોરબીના પ્રજાપતિ પરિવારના યુવાને અદભુત સાહસ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભરતભાઈ ધીરૂભાઈ પ્રજાપતિ છેલ્લા 17 વર્ષથી ચાકડામાં માટીના માટલા, ગરબા અને દોરણી સહિતની વસ્તુઓ બનાવે છે. હવે તેઓ આંખે પાટા બાંધીને પણ માટલાં એકદમ ચોકસાઈથી તૈયાર કરે છે. ભરતભાઈને એક વખત વિચાર આવ્યો કે જો ખુલ્લી આંખે માટલાં બનાવી શકાય છે તો બંધ આંખે કેમ નહીં? આ વિચારથી તેમણે પાટા બાંધી માટલા બનાવવાનું શરુ કર્યું. શરૂઆતમાં ઘણીવાર નિષ્ફળતા મળી, ક્યારેક માટલો બને તો ક્યારેક આકાર બગડી જાય. પરંતુ અવિરત પ્રેક્ટીસ અને ધગશથી તેમણે આખરે સફળતા મેળવી. આજે તેઓ ખુલ્લી આંખે થતાં સર્જન જેવું જ સર્જન બંધ આંખે પણ કરી શકે છે.
ભરતભાઈની બહેન આરતીબેન જણાવે છે કે આજના હાઈટેક યુગમાં પ્રજાપતિ સમાજના યુવાનો પરંપરાગત કળાથી દૂર જઈ રહ્યા છે, પરંતુ તેમના પરિવારે આ કળાને જીવંત રાખી છે. દૂર-દૂરથી લોકો ભરતભાઈને કામ કરતાં જોવા આવે છે અને તેમની કળાથી પ્રેરણા લે છે. દેશ-વિદેશમાં પણ મોરબીના માટલાં માટે ભારે ડિમાન્ડ રહે છે.
માટી કલામાં આજ સુધી આધુનિક મશીનોનો ઉપયોગ ન થઈ શક્યો છે. પરંપરાગત ચાકડો જ હથરોટી છે, જેમાં માટીના પીડને ગોળ ફેરવતા હાથથી આકાર આપવામાં આવે છે. માટલા, નાંદ, બરણી, બાટલા, ઘોઘા અને ગરબા જેવી અનેક વસ્તુઓ આજે પણ એ જ પદ્ધતિથી બને છે. ભરતભાઈએ આ પરંપરામાં પોતાની નવીનતા ઉમેરી છે અને માટીકલા પ્રત્યેનો ગૌરવ જીવંત રાખ્યો છે.



