મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા પપ્પુભાઇ ઠાકોરની રજૂઆત
કચ્છનું નાનું રણ વડાગરુ મીઠું પકવવા માટે જાણીતું છે. અને અલગ અલગ મંડળીઓ બનાવી અગરીયાઓ કચ્છના નાના રણમાં મીઠું પકવતા હોય છે. મીઠું પકવવાની શરૂઆત આમ તો સપ્ટેમ્બર મહિનામાં થતી હોય છે. પરંતુ આ વર્ષે અગરીયાઓની સીઝન થોડી મોડી શરૂ થઇ છે. ત્યારે અગરીયાઓ રણમાં કામની શરૂઆત સમયે જ કુઇ ગાળવાનું કામ કરતા હોય છે. ત્યારે મોટાભાગે કુદરતી ગેસ નીકળતો હોય છે. અને કુઇમાંથી નીકળતો ગેસ ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આ અગાઉ પણ કચ્છના નાના રણમાં અનેક અગરીયાઓ ઝેરી ગેસનો ભોગ બનેલા છે. ત્યારે ગઇકાલે કુડાના રણમાં ગેસ ગળતરના કારણે કુડાના લાભુભાઇ ગોરધનભાઇ કુડેચાનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના અગરીયાઓ એકઠા થઇ ગયા હતા. અને મૃતકની લાશને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી. આમ અચાનક યુવાન દીકરો અને પરિવારનો સહારો અચાનક છીનવાઇ જતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
- Advertisement -
કચ્છના નાના રણમાં મીઠું પકવતા કુડાના યુવાનનું ગતકાલે ગેસ ગળતરના કારણે મોત નીપજ્યું છે. જેને લઇને માલવણ જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ ગુજારીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાય આપવા રજૂઆત કરી છે. તેમને રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના રહેવાસી અગરીયા લાભુભાઇ ગોરધનભાઇ કુડેચા મીઠું પકવવા માટે કાળી મજૂરી કરતા હતા. જેમનું કુઇ ગાળતા સમયે ગેસ ગળતરના કારણે મોત નીપજ્યું છે. અને તેમના પરિવારની તમામ જવાબદારી તેમના સીરે હોવાથી તેમના પરિવારના હિતને ધ્યાને રાખી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવા ભલામણ કરી છે.