‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હિંદુ સનાતન ધર્મ પ્રારંભથી જ લવચીક રહ્યો છે. જે ધર્મના પાયામાં જ ઉદાર ભાવના સમાયેલી હોય, જ્યાં વિવિધ મત, પંથ અને વિચારધારાને સહજપણે સ્વીકારી તેને એક માળામાં મણકાની જેમ પરોવીને અદ્વૈતની ઊંચાઈએ પહોંચાયું હોય – તે શ્રેષ્ઠતમ હોય તેમાં કોઈ બે મત નથી. સનાતન ધર્મ અનેકવિધ મત અને સંપ્રદાયમાં વહેંચાયેલો દેખાય છે, પણ અંતે તો સાકાર પંચદેવની ઉપાસના દ્વારા નિરાકાર પરબ્રહ્મની પ્રાપ્તિ જ હિંદુ ધાર્મિક વ્યક્તિનો ધ્યેય હોય છે.
પણ સનાતનની આ જ વિશેષતાનો દૂરુપયોગ કરી અમુક સ્વાર્થી વ્યક્તિઓ સંપ્રદાયના નામે પોતાના વ્યક્તિગતલાભ કે સત્તા લાલસા માટે ધર્મ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ એક અલગ વિચારધારા સર્જી લોકસમૂહને છળ દ્વારા અધર્મ – પાપના માર્ગે દોરી જાય છે. ભૂતકાળમાં પણ વખતોવખત આવા ધર્મ વિરુદ્ધના કાર્યોનો વિરોધ લોકો દ્વારા થયેલ. જેમ કે પુષ્ટીમાર્ગ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટો વિરુદ્ધ કરસનદાસ મૂળજીએ અવાજ ઉઠાવેલો (મહારાજ લાયબલ કેસ) જેના પરિણામરૂપ લોકોને પુન: સનાતનના માર્ગે પરત લાવવામાં સફળતા મળી હતી.
આજે ફરીથી સનાતન ધર્મ વિરુદ્ધ ષડ્યંત્ર રચાયું છે. જેને ખુલ્લું પાડવા આ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણ? સામે આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયની જેમ જ કૃષ્ણભક્તિ ઉપર આધારિત ઉદ્ધવ સંપ્રદાય જે કાળક્રમે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પરિવર્તન પામ્યો, તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના શાસ્ત્રોમાં છેડખાની કરી કેવું સનાતન વૈદિક ધર્મ વિરોધી સ્વરૂપ ઉત્પન્ન કરવામાં આવ્યું તે આ પુસ્તક વિગતે જણાવે છે. વીસ પ્રકરણોમાં ફેલાયેલ આ પુસ્તકમાં પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદ સ્વામી ‘સર્વોપરી ભગવાન’ કેવી રીતે બની ગયા કે બનાવી દેવાયા તેનો પ્રમાણ સહિત ઇતિહાસ છે. કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયેલ છે? – આ બધાં પ્રશ્ર્નોનો જવાબ આ પુસ્તકમાંથી મળી રહે છે. લેખકે સંપ્રદાયના પ્રારંભથી આજદિન સુધીની તમામ બાબતો આવરી લીધી છે. કૃષ્ણભક્ત સંતથી અવતાર અને પછી સર્વોપરી ભગવાન, અક્ષરધામનું જૂઠ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અંગ્રેજો અને ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો સ્થપાવો, શાસ્ત્રોના નકલી પુરાવાઓ, પુરાણોના વિકૃત અર્થઘટનો, સોશિયલ મીડિયા પર સનાતનીઓની જાગૃતિથી ઉભુ થયેલું જન આંદોલન, સંઘ અને શંકરાચાર્ય, પરંપરાવાદી સંતો અને સંઘ સમર્થિત સંતો તેમજ સંપ્રદાય વિરુદ્ધ જાગૃતિ માટે સનાતનીઓ દ્વારા આજદિન સુધી થયેલા પ્રયત્નો અને તમામ બાબતોની વિસ્તૃત છણાવટ છે.
લેખક ડો. કૌશિક ચૌધરી જે હિંદુ આધ્યાત્મ અને આઘુનિક વિજ્ઞાનને જોડતા પુસ્તકોના લેખક અને ગુજરાત સમાચાર તેમજ લોકસત્તા જનસત્તા જેવા વર્તમાન પત્રોના કોલમિસ્ટ છે, તેમણે આ વિષય પર પોતાના સંસ્મરણોની એક કથા રૂપે આખો વિષય વર્ણવ્યો છે. અને તે કથા તેમાં આવતા પ્રમાણભૂત સંદર્ભો, વિડિયો અને પુસ્તકોની વેબ લિંકો તેમજ તેમના આ વિષય પર લખાયેલા ગહન લેખો વડે એટલી અદભુત રીતે ગુંથવામાં આવ્યું છે કે વાચક પુસ્તક એકવાર પકડે એટલે નવ દસ પ્રકરણ એકસાથે વાંચી નાખે. પુસ્તક એટલી સખત રીતે તેના પ્રવાહમાં તમને ઝકડી રાખે છે, કે કોઈ અગત્યના સામાજિક-ધાર્મિક મુદ્દા પર ઉપલબ્ધ થનાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ રસપ્રદ, રોચક અને સફળ સાબિત થાય છે.
પુસ્તકમાં હિંદુ ધર્મના શાસ્ત્રો સાથેના પ્રમાણો એટલા સખત રીતે અપાયા છે કે કોઈ એમ ના સમજી શકે કે લેખક દ્વારા સંપ્રદાય પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષાના કારણે હવા-હવાઈ વાતો લખાઈ છે. દરેક પ્રકરણમાં પોતાની વાત અને તર્ક માટે શાસ્ત્ર સંમત સત્ય પણ દર્શાવ્યુ છે. સંપ્રદાયના સનાતન વિરોધી સ્વરૂપ અને ગતિવિધિઓના વિષયને પંદર પ્રકરણોનો પહેલો ખંડ જુએ છે, અને પછી એ તમામ મુદ્દે જ્યાં સંપ્રદાય દ્વારા ધાર્મિક ભ્રષ્ટાચાર અને જૂઠ, પ્રપંચ નિર્માણ કરાયા છે ત્યાં વેદ અને પુરાણોમાં શું કહેવાયું છે તેને વેદો અને પુરાણોની શ્લોક સંખ્યા સાથે બીજા ખંડમાં કહેવાયું છે. વેદોના ભગવાન વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણેશનું સ્વરૂપ શું છે, અને પુરાણોમાં તેમનું સ્વરૂપ કઈ રીતે સાકાર બનાવી પંચદેવ ઉપાસના સ્થાપિત કરાઈ છે તેનું સુંદર શાસ્ત્રોક્ત જ્ઞાન બીજા ખંડમાં મળે છે.
આમ, એક સાચા સનાતનીને આ પુસ્તક ના ફક્ત એક સંપ્રદાય વડે હિંદુ ધર્મ વિરૂધ્ધ થયેલા આક્રમણ અને પ્રપંચનું જ્ઞાન આપે છે, પણ તેને હિંદુ ધર્મના તત્વજ્ઞાન, અને તેના સાકાર નિરાકાર દેવી દેવતાઓના સ્વરૂપનું પણ ગહન જ્ઞાન આપે છે. તે અસત્ય બતાવીને સત્ય શું છે તે સ્થાપિત કરે છે, અને એજ આ પુસ્તકને એક ઉચ્ચતમ કોટિનું પુસ્તક બનાવે છે. સનાતનીઓ જેમને કઢીભગત કહે છે તેવા હરિભક્તોએ સાચો ‘હરિ’ કોણ છે એ જાણવા અને હરિભક્તો જેમને ટનાટની કહે છે તેવા સનાતનીઓ એ પોતાના વિરોધ માટે જરૂરી પુરાવા અને તર્ક મેળવવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
પાખંડમાં જોડાયેલા અને અજાણતા ષડ્યંત્રનો ભાગ બની ગયેલા આપણા જ હિંદુ સનાતની ભાઈ બહેનો આ પુસ્તકના માધ્યમથી પૂન: જાગૃત થઇ સંપ્રદાયમાં ફેલાયેલા સડાને દૂર કરવામાં મદદરૂપ થાય. તેમજ ઉદ્ધવ (સ્વામિનારાયણ) સંપ્રદાય પુન: કૃષ્ણ ભક્તિના સનાતન હિંદુ માર્ગે પરત ફરે તેવા શુભ હેતુથી લખાયેલ પુસ્તકને હું આવકારું છું. હજારો સનાતનીઓની (અને સંપ્રદાયના કેટલાક આશ્રિતોની પણ) ભાવનાને વાચા આપવા બદલ લેખકને અનેકોઅનેક ધન્યવાદ.
જાગૃતિ માટે પ્રયત્નશીલ હજ્જારો સનાતની યોધ્ધાઓની મહેનત સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના.
કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયો છે? – બધાં પ્રશ્ર્નોનો જવાબ પુસ્તકમાંથી મળી રહે છે
- Advertisement -
પુસ્તકના લેખક ડૉ. કૌશિક ચૌધરી મો. 99985 69500