ત્રણ મહિલાઓ સાથે કામ કરી રહી હતી ત્યારે સર્જાઈ ગોઝારી ઘટના: બેનો આબાદ બચાવ, એકના મોતથી પરિવારમાં આક્રંદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી પંથકમાં આજે 7 માર્ચના રોજ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પાટડી તાલુકાના કચોલીયા ગામે જાહેર સ્નાનઘાટની દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામ પંચાયત કે તંત્ર દ્વારા જર્જરિત દીવાલોના સમારકામ અંગેની બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચોલીયા ગામે આવેલા સ્નાનઘાટ પર આજે સવારના સમયે ગામની ત્રણ મહિલાઓ રોજિંદા ક્રમ મુજબ કપડાં ધોઈ રહી હતી. મહિલાઓ પોતાના કામમાં વ્યસ્ત હતી તે દરમિયાન અચાનક સ્નાનઘાટની મસમોટી દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં વર્ષાબેન રમેશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ અંદાજે 35) દીવાલના કાટમાળ નીચે પૂરેપૂરી દબાઈ ગયા હતા. તેમની સાથે રહેલી અન્ય બે મહિલાઓ નસીબજોગ આબાદ બચી ગઈ હતી, પરંતુ વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. દીવાલ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મહિલાને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા નહોતા. આ ગોઝારી ઘટનાના સમાચાર મળતા જ આખું ગામ સ્નાનઘાટ પાસે ઉમટી પડ્યું હતું. મૃતક વર્ષાબેનના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.



