ડૉકટર બનવું હતું, ઘરમાં 250 રૂપિયા ન હતાં આજે કરોડોનાં માલિક
- Advertisement -
ધીરુભાઇએ વિસાવદરમાં અભ્યાસની સાથે પિતાને કડિયા કામમાં મદદ કરી: એક વર્ષ છાપા પણ વેંચ્યા
કહેવાય છે કે, સંઘર્ષ અને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજની યુવા પેઢી માટે કઠોર મહેનતનું શું ફળ મળે તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢનાં પૂર્વ મેયર ધીરુભાઇ ગોહેલ છે. ઘરની આર્થીક નબળી પરિસ્થિતીમાં પણ નિરાશ થયા વિના આગળ વધતા રહ્યાં અને આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડર બની ગયા. ખાસ ખબર સાથે આર્થિક સ્થિતિની વાત કરી વખતે પણ તેની આંખો ભીની થઇ ગઇ. તે દર્શાવે છે તે કાળા દિવસો આજે પણ તેવો ભુલી શકયતા નથી. ધીરુભાઇની સંઘર્ષ ગાથા યુવાનોને અને તેમની ઇમાનદારી નેતાઓે માટે પ્રેરણારૂપ છે.
એક સમયે ગીરનાર જેવડો કઠોર પરિશ્રમ કરનાર ધીરુભાઇ ગોહેલે આજે ગીરનાર જેવડી ઉંચાઇ પ્રાપ્ત કરી લીધી છે. જૂનાગઢનાં પૂર્વ મેયર અને બિર્લ્ડર ધીરુભાઇ ગોહેલનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણ અને યુવાનીમાં કઠોર પરિશ્રમ એ જ તેમનું જીવન હતું. વિસાવદરમાં નારણભાઇ ગોહેલનાં ઘરે 19 ડિસેમ્બર 1955 જન્મ થયો હતો. વિસાવદરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ. જુની એસએસસીમાં 60 ટકા સાથે ઉર્તિણ થયા.ઇન્જીનીયર કે ડોકટર બનવા માંગતા હતાં. જયારે પરિણામ આવ્યું ત્યારે પિતાજી કડિયા કામ માટે ગયા હતાં. ધીરુભાઇ પરિણામ લઇને પિતાજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, હુ પાસ થઇ ગયો. મારે એન્જિનિયર કે ડોકટર બનવું છે. પરંતુ પિતાજીએ કોઇ પણ જવાબ આપ્યો નથી. ધીરુભાઇએ આ વાત બીજી વખત દોહરાવી. પરંતુ પિતાજીનો કોઇ જવાબ ન આવ્યો.ત્યારે સાથે કામ કરનારે કહ્યું નારણભાઇ છોકરાને કેમ જવાબ આપતા નથી ?. ત્યારે પિતાજીએ કહ્યું, ઘરમાં 250 રૂપિયા પણ નથી. અહીંથી ધીરુભાઇ ગોહેલ સીધા વિસાવદર આવ્યા અને છાપાની એજન્સીનાં માલિકને મળી સવારે છાપા વિતરણનો નિર્ણય કરી લીધો.ઉપરાં પિતાજી સાથે કડિયા કામ કરવા જવા લાગ્યા. એક વર્ષ સુધી અખબારનું વિતરણ કર્યુ. આ ઉપરાંત વિસાવદરમાં વેપારીઓનાં નામા લખવાનું કામ પણ કરતા હતાં. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ધીરુભાઇ રાત દિવસ જોયા વિના મહેનત કરવા લાગ્યા. અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
અમેરિકા હતા ને વિજયભાઇ રૂપાણીએ ફોન કરી કહ્યું, તમારે ચૂંટણી લડવાની અને મેયર બનવાનું છે
જૂનાગઢ મનપાનાં મેયર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે મનપાની પેન પણ ખિસ્સામાંથી કાઢી મૂકી દીધી હતી
આ સમયમાં તેનો ભેટો મોહનભાઇ પટેલ(મો.લા.પટેલ) સાથે થયો. મોહનભાઇ પટેલનાં વિચારોથી ધીરુભાઇ પ્રભાવીત થયા. દરેક ક્ષેત્રનાં ગુરુ, માર્ગદર્શક બનાવી લીધાં. 1978માં બાંધકામ ક્ષેત્રમાં જોડાયા.સાથે જ જુદી જુદી સહકારી બેંકમાં જોડાઇ પુન: જીવત કરવાનું કામ કર્યુ. તેમજ આજ અરસામાં મો.લા. પટેલ સાથે રહી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જોડાયા અને રચનાત્મક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં જીવનમાં બાંધકામ ક્ષેત્ર ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે 1980માં બસ સ્ટેશન પાસે પ્રથમ જમીનની ખરીદી કરી. અહીં સોસાયટીઓ બનાવી. તેનું નામ મોહનનગર રાખવામાં આવ્યું. 1980 પછી જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે પાછુ વળીને જોયું નથી. આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડસ બની ગયા છે.
પોતે રાજકારણી માણસ ન હતાં. આરએસએસ,જનસંઘ સાથે નાતો હતો. બાદ ભાજપનાં કામ કરતા હતાં. પરંતુ ચૂંટણી લડવા કયારે માંગતા ન હતા. વર્ષ 2009માં વિજયભાઇ રૂપાણીએ તેમને ચૂંટણી લડવા કહ્યું. ત્યારે ધીરુભાઇએ ના પાડી દીધી હતી. ફરી 2014માં વિજયભાઇ ધીરુભાઇનાં ઘરે આવ્યા અને ચૂંટણી લડવા માટે કહ્યું તેમજ મેયર માટે કહ્યું હતું. ધીરુભાઇ ત્યારે પણ માન્યા ન હતાં. બાદ 2019માં વિજયભાઇ મુખ્ય મંત્રી હતા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઇ બેઠક ચાલતી હતી. મેયરનો ચહેરો કોણ ?.ત્યારે વિજયભાઇએ ધીરુભાઇનું નામ આપ્યું હતું. બાદ વિજયભાઇએ ધીરુભાઇને ફોન કર્યો હતો. આ સમયે ધીરુભાઇ અમેરીકા હતાં. વિજયભાએ કહ્યું કે,તમારે ચૂંટણી લડવાની છે અને તમને મેયર બનાવવામાં આવશે. ત્યારે ધીરુભાઇએ ના પાડી પણ વિજયભાઇ માન્ય નહી. મોહનભાઇની સલાહ લેવાનું કહ્યું તો વિજયભાઇ મોહનભાઇ પટેલની સાથે પણ વાત કરી લીધી હતી. ધીરુભાઇ અમેરીકાથી તાત્કાલીક આવ્યા અને જૂનાગઢ કોર્પોરેટરની ચૂંટણી પ્રથમ વખત લડ્યાં. તેમજ જીત્યા બાદ ધીરુભાઇને મેયર બનાવવામાં આવ્યાં હતાં. અઢી વર્ષ સુધી મેયર રહ્યાં. ત્યારે કોર્પોરેશનની સેવાનો લાભ ન લીધો. જયારે મેયર પદની મુદત પૂર્ણ થઇ ત્યારે ખીસ્સામાં રાખેલી પેન પણ નવા મેયરને આપી દીધી હતી. આગામી ચૂંટણીને લઇને ધીરુભાઇએ કહ્યું કે, ભાજપનો સિક્રય કાર્યકર છું. પાર્ટીનાં આદેશ મુજબ કામ કરી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો નથી. કેમ કે હું રાજકારણી નથી. પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકી જે કામ આપશે તે હું કરી.
સાદું જીવન, શિક્ષાપત્રીનાં નિયમ મુજબ ચાલવું, 45 વર્ષથી ખાદી જ પહેરે
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરની સેવામાં કાર્યરત રહે છે. 15 વર્ષ સુધી મંદિરનાં ટ્રસ્ટમાં રહ્યાં હતાં. છેલ્લા 40 વર્ષથી દરરોજ સાંજનાં સ્વામીનારાયણ મંદિરે જાય છે. શિક્ષાપત્રીનાં નિમય મુજબ ચાલે છે. સાદુ જીવન જીવે છે.આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલા છે. શરૂઆતમાં 25 વર્ષ મંત્રી હતી. મોહનભાઇ પટેલનાં નિધન બાદ પ્રમુખ બન્યાં છે. છેલ્લા 45 વર્ષથી ખાદીનાં જ કપડા પહેરે છે. ખાદી ગ્રામોદ્યોગ વર્ષે 5 કરોડનું નર્ટઓવર કરે છે. અનેક લોકોને રોજી આપે છે. તેમજ જ્ઞાતિમાં પણ 31 વર્ષથી પ્રમુખ છં. જ્ઞાતિનાં વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે.
700 કરોડની ગ્રાન્ટ આવી, આણંદપુર ડેમમાં 25 ખકઉ પાણી અનામત રખાવ્યું
ધીરુભાઇ ગોહેલે કહ્યું હતું કે, મને મેયર બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી હતાં. ચૂંટણી જીત્યા બાદ પુરતી ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું. હું મેયર હતો ત્યારે 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. તેમજ મારા કાળમાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાવ્યું. આણંદપુર ડેમમાં જૂનાગઢ માટે 25 એમએલડી પાણી જથ્થો અનામત રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. મેયરનાં અઢી વર્ષમાં પુષ્કળ ગ્રાન્ટ આવી હતી અને જૂનાગઢનો વિકાસ કર્યો હતો.
જોષીપરા ઓવરબ્રિજ, તળાવનો વિકાસ ન થયો તેનો અફસોસ
ધીરુભાઇ ગોહેલને મેયર બનાવવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કંઇ કરી છુટવાની ભાવના રાખતા હતાં. પરંતુ કેટલીક અડચણો આડે આવી હતી. આ અડચણો વચ્ચે પણ જૂનાગઢનાં વિકાસ માટે કામ કરતા રહ્યાં હતાં. ધીરુભાઇએ નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન અને જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવી ન શકયો તેનો અફસોસ છે. ઓવરબ્રિજ માટે વિજયભાઇને વાત કરી તો તેણે તાત્કાલીક સહમતી આપી દીધી હતી. પરંતુ મેયર રહ્યો ત્યાં સુધીમાં જૂનાગઢ માટે આ કામ ન કરી શકયો તેનો અફસોસ રહી ગયો છે.
6 કલાક ઊંઘ, પરિવારને બે કલાક અને ધાર્મિક વાંચન
ધીરુભાઇ ગોહેલની ઉંમર 66 વર્ષની છે. આજે પણ સતત દોડતા રહે છે. તેઓ માત્ર છ કલાકની ઉંઘ લે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. તેમજ ધાર્મીક વાંચન વધુ કરે છે. ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા, ડો.આંબેડકરજીનાં પુસ્તકનું વાંચન કરે છે. મોહનભાઇ પટેલને પોતાનાં ગુરુ માને છે. દરેક કાર્યમાં તેની સલાહ લેતા હતાં. તેમજ જીડીસીસી બેંકનાં જનરલ મેનેજર જી.ડી. ભટ્ટનો પણ તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમની પાસેથી ઇમાનદારીથી કેમ રહેવું તે શિખ્યાં હતાં.